‘મુંબઈ મેરી જાન’, ‘ફોર્સ’ અને ‘દૃશ્યમ’ જેવી સફળ ફિલ્મો આપનારા ડિરેક્ટર નિશિકાંત કામતે ફરી એક વખત જ્હોન અબ્રાહમ સાથે જોડી જમાવીને ‘રોકી હેન્ડસમ’ ફિલ્મ આપી છે. નિશિકાંત કામતે પોતે પણ આ ફિલ્મમાં અભિનય આપતાં વિલનનો રોલ ભજવ્યો છે અને તેનો અભિનય વખણાયો પણ છે. જ્હોને આ ફિલ્મની જાન જેવા એક્શન દૃશ્યોને અસરદાર બનાવવા માટે એકાદ મહિના સુધી માર્શલ આર્ટ્સ (સિયાટ)ની ખાસ ટ્રેનિંગ લીધી હતી. આ ફિલ્મ કોરિયન ફિલ્મ ‘ધ મેન ફ્રોમ નોવેર’થી પ્રેરિત ગણાય છે અને કદાચ તેથી જ જ્હોને આ ફિલ્મમાં કરેલા એક્શન સીન્સને હોલિવૂડની ફિલ્મો સાથે સરખાવાય છે.
વાર્તા રે વાર્તા
રોકી હેન્ડસમની વાર્તા કબીર ઉર્ફે રોકી હેન્ડસમ (જ્હોન), રુશીદા (શ્રુતિ હસન) અને એક નાની બાળા નાઓમી (દિયા) પર આધારિત છે. અપરાધની દુનિયાનો ભૂતકાળ ભૂલીને કબીર પોતાની નવી જિંદગી ગોવામાં ગુજારી રહ્યો છે. કબીરના પાડોશમાં રહેતી નાની છોકરી નાઓમી તેને રોકી હેન્ડસમના નામથી બોલાવતી હોય છે. એક દિવસ અચાનક નાઓમીનું અપહરણ થાય છે. કબીર નાઓમીને શોધવા માટે દિવસરાત એક કરે છે.