છેલ્લા 30 વરસથી સતત સિગારેટ ફૂંકનારા શાહરુખ ખાને તાજેતરમાં પોતાના જન્મદિવસના દિવસે ધૂમ્રપાન છોડી દીધાની જાહેરાત કરી છે. જોકે તેને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી હોવાની પણ સ્પષ્ટતા કરી છે.
એક જમાનામાં શાહરુખ રોજની 100 સિગરેટ ફૂંકતો હોવાનું કહેવાતું હતું. બોલિવૂડ વર્તુળોના મતે શાહરુખ અઠંગ ચેઈન સ્મોકર હતો અને તે એક સિગરેટ બૂઝે તે પહેલાં જ બીજી સળગાવી દેતો હતો. જોકે, શાહરુખે જન્મદિને ચાહકોને ખુશખબર આપ્યા હતા કે મેં મારી સ્મોકિંગની આદત છોડી દીધી છે. ચાહકોએ તેને આ લત છોડવા બદલ અભિનંદન આપવાની સાથે સાથે આ નિર્ણય પર અડગ રહેવા અનુરોધ કર્યો હતો. કેટલાય ચાહકોએ સ્મોકિંગ છોડવાની ટિપ્સ પણ માગી હતી. અગાઉ પણ શાહરુખે કહ્યું હતું કે તેના સંતાનો તેને સ્મોકિંગ છોડવા સમજાવી રહ્યા છે અને પોતે આ માટે પ્રયાસ કરી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે શાહરુખના જન્મદિન નિમિત્તે બીજી નવેમ્બરે તેના બંગલો મન્નતને રોશની કરવામાં આવી હતી. જોકે, સલમાન ખાનને મળેલી ધમકીના સંદર્ભમાં પોલીસે શાહરુખના બંગલા આગળ પણ ટોળાં એકઠાં થવા પર મનાઈ ફરમાવી હતી. શાહરુખનું ઘર સલમાનના ઘરની નજીક જ હોવાથી આ નિર્ણય લેવાયો હતો.