મિલેનિયમ મેગાસ્ટાર અમિતાભ બચ્ચન કેબીસીના એપિસોડમાં જેટલા રસપ્રદ કિસ્સા સંભળાવે છે તેટલા રસપ્રદ કિસ્સા મુલાકાતોમાં નથી કહેતા. કેબીસીની સિઝન-16માં અમિતાભે એક સ્પર્ધકે કરેલા સવાલના જવાબમાં લંડનમાં એક દુેકાનદાર સાથેના અનુભવની વાત કરી હતી. દુકાનદારે એશિયન ચહેરો જાઇને ધારી લીધું હતું કે તેની મોંઘી ટાઈ ખરીદવાનું આ માણસનું ગજું નહીં. આ સમયે અમિતાભની અંદરનો ભારતીય આત્મા જાગી ગયો હતો અને તેમણે દુકાનદારનું મોઢું સીવી દીધું હતું. કેબીસી સ્પર્ધક પ્રણતિએ અમિતાભને પૂછ્યું હતું કે તેઓ વસ્તુ ખરીદતી વખતે તેની કિંમત જુએ છે કે કેમ? આ સાંભળી અમિતાભને જૂની ઘટના યાદ આવી ગઈ હતી. અમિતાભે કહ્યું કે, ‘એક વખત અમે લંડનમાં શોપિંગ કરી રહ્યા હતા અને મારી નજર એક ટાઇ પર પડી. હું હજુ ટાઈ જોઇ જ રહ્યો હતો કે દુકાનદારે ઉપેક્ષાભાવે કહ્યું કે તેની કિંમત 120 પાઉન્ડ છે. તરત જ મેં તેની સામે જોઈને કહ્યું કે 10 પેક કરી દો.’ અમિતાભે કહ્યું કે આવા સમયે લાગતું હતું કે ભારતીય જોશ અને આત્મવિશ્વાસ બતાવી દઉં. આપણે ક્યારેક એ સ્પષ્ટ કરી દેવું પડે છે કે અમને ઓછા આંકવાની જરૂર નથી. અમિતાભે આ જ એપિસોડમાં એમ પણ કહ્યું કે તેમને વંદાથી ખૂબ ડર લાગે છે.