રણબીર કપૂરે ‘એનિમલ’ની સફળતા બાદ આગામી પ્રોજેક્ટની તૈયારી શરૂ કરી દીધી છે. નીતેશ તિવારીની ‘રામાયણ’નું શૂટિંગ મુંબઈમાં શરૂ કરવાની તૈયારી આખરી તબક્કામાં ચાલે છે. આ ફિલ્મમાં ભગવાન રામનો રોલ કરી રહેલો રણબીર કપૂર 60 દિવસ સુધી મુંબઈમાં શૂટિંગ કરશે. ત્યારબાદ લંકાદહનનો સીન મુંબઈથી 7 હજાર કિમી દૂર લંડનમાં શૂટ કરવામાં આવશે. ફિલ્મ માટે લંડનમાં લંકાનો ભવ્ય સેટ ઊભો કરાશે. રણબીર કપૂરે ‘એનિમલ’માં આક્રમક અને સ્વચ્છંદી નબીરાનો રોલ કર્યો હતો. આગામી ફિલ્મમાં રણબીર કપૂરને ભગવાન રામનો રોલ મળ્યો છે. રિયલ લાઈફમાં બે તદ્દન વિરોધાભાસી કહી શકાય તેવા કેરેક્ટર રણબીર ભજવવાનો છે અને તેના માટે રણબીર કપૂરે પોતાના લૂકથી માંડીને ખાન-પાનમાં પણ ફેરફાર કર્યા છે. ‘રામાયણ’ ફ્લોર પર જાય તે પહેલા કાસ્ટ ફાઈનલ થઈ ચૂકી છે અને પ્રી-પ્રોડક્શન પણ પૂરું થવાની તૈયારીમાં છે. રિપોર્ટ્સ મુજબ, મુંબઈથી ‘રામાયણ’ના શૂટિંગની શરૂઆત થશે. મુંબઈના સ્ટુડિયોમાં તેનો સેટ ઊભો કરાશે. રણબીર કપૂર અને ટીમ મુંબઈમાં શૂટિંગનું શીડ્યુલ પૂરું કર્યા બાદ લંડન પહોંચશે. અહીં પણ 60 દિવસ સુધી શૂટિંગ ચાલે તેવી શક્યતા છે. લંડનમાં રણબીરની સાથે યશ પણ હશે. ‘કેજીએફ’ સ્ટાર યશ આ ફિલ્મમાં રાવણનો રોલ કરી રહ્યો છે. લંકાદહનથી માંડીને રાવણવધ સુધીના સીન લંડન ખાતેના સેટ પર શૂટ થશે. આ ફિલ્મમાં સાઉથની એક્ટ્રેસ સાઈ પલ્લવી માતા સીતાનો રોલ કરવાની છે.