આશરે ૧૩ વર્ષથી કમલ હાસન સાથે લિવ ઇનમાં રહેતી તામિલ ફિલ્મોની અભિનેત્રી ગૌતમીએ કમલ સાથે છેડો ફાડવાની જાહેરાત પોતાના બ્લોગ પર કરી છે. ગૌતમીએ તાજેતરમાં લખ્યું છે કે, હું અને મિસ્ટર કમલ હાસન હવે સાથે નથી એવું જણાવતાં મને અત્યંત દુખ થાય છે. ૧૩ વર્ષ સાથે રહ્યા પછી મારે મારી જિંદગીના સૌથી વધુ પીડાદાયક નિર્ણયો પૈકીનો આ એક નિર્ણય લેવો પડ્યો છે.
કમલ હાસન સાથે ‘અપૂર્વ સહોદરગલ’, ‘થેવર મગન’ અને તાજેતરની ‘પાપનાસમ’માં કામ કરી ચૂકેલી ગૌતમીએ જણાવ્યું હતું કે, આપણે જેની સાથે ગાઢ સંબંધમાં હોઈએ એ વ્યક્તિનો અને આપણો માર્ગ એકદમ અલગ-અલગ છે એ વાતનું ભાન આપણને આસાનીથી થતું નથી. આ હૃદયવિદારક સત્યને સ્વીકારવામાં અને આ નિર્ણય લેવામાં મને કમ સે કમ બે વર્ષ લાગ્યા.
કેન્સરમાંથી બેઠી થયેલી ગૌતમીએ તેના બ્લોગમાં લખ્યું હતું કે, પોતાનો હેતુ સહાનુભૂતિ ઉઘરાવવાનો કે કોઈને દોષી ઠરાવવાનો નથી. ૪૮ વર્ષની ગૌતમીએ ઉમેર્યું હતું કે, મારા જીવનના આ તબક્કે મેં કરેલો આ નિર્ણય કોઈ પણ મહિલા માટે અત્યંત મુશ્કેલ હોય છે, પણ મારા માટે એ નિર્ણય કરવો જરૂરી હતો. હું સૌથી પહેલાં એક મા છું તથા મારા બાળક માટે હું શ્રેષ્ઠ મા બની રહું એ મારી જવાબદારી છે. અને એમ કરવા માટે હું માનસિક શાંતિ ધરાવતી હોઉં એ જરૂરી છે. કમલ હાસનની પુત્રી શ્રુતિ અને ગૌતમી વચ્ચે તેમની લેટેસ્ટ ફિલ્મ ‘શાબ્બાશ નાયડુ’ના નિર્માણ દરમિયાન મોટો ઝઘડો થયાના સમાચાર આવ્યાના ત્રણ મહિના બાદ કમલ હાસન અને ગૌતમી અલગ થયાના સમાચાર આવી પડ્યા છે.
કમલ હાસને આ પહેલાં સારિકા અને વાણી ગણપતિ સાથે લગ્ન કર્યાં હતાં, જે બન્ને છૂટાછેડામાં પરિણમ્યા હતા.