બે વર્ષ સુધી એકબીજાને ડેટ કર્યાં પછી અંતે હૈદ્રાબાદમાં શોભિતા ધુલીપાલા અને નાગા ચૈતન્યના વિવાહ સંપન્ન થયાં હતાં. આ બહુ નાનો સમારોહ હતો, જેમાં નજીકના મિત્રો અને પરિવારજનોને આમંત્રણ અપાયાં હતાં. ચોથી ડિસેમ્બરે થયેલા આ લગ્નની તસવીરો અને વીડિયો વાયરલ થયાં છે. જેમાં નાગા ચૈતન્ય મંગળસૂત્ર પહેરાવે છે ત્યારે શોભિતા ઇમોશનલ જણાતી હતી. આ પ્રસંગે ચૈતન્યનો ઓરમાન ભાઈ અને એક્ટર અખિલ એક્કિનેની, તેનો કઝીન રાણા દુગ્ગુબાતી વગેરે ખુશ જણાતા હતા. તેમણે પણ દંપતી સાથેની તસવીરો શેર કરી હતી.
સમારોહમાં શોભિતા અને નાગા બંને પરંપરાગત દક્ષિણ ભારતીય પોષાકમાં જોવા મળે છે. આ તસવીરોમાં નાગાના પિતા અને સુપરસ્ટાર એક્ટર નાગાર્જુન અક્કીનેની પણ ઇમોશનલ થયેલો જણાતો હતો. નાગાર્જુને તસવીર શેર કરતાં એક્સ પર લખ્યું હતું, ‘એએનઆર ગારુની પ્રતીમા સમક્ષ થયેલી આ ઉજવણી દેખાય છે તેના કરતાં ઊંડો અર્થ ધરાવે છે. આ તેમના શતાબ્દી વર્ષની પણ ઉજવણી છે. આ સફરના દરેક ડગલે તેમનાં પ્રેમ અને માર્ગદર્શનનો અનુભવ થયો છે.’
અન્નપુર્ણા સ્ટુડિયોના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ પેજ પરથી નાગા અને શોભિતાના વિવાહની સુંદર તસવીરો શેર કરવામાં આવી હતી. સાથે કેપ્શનમાં બંનેને શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. શોભિતા આ વિધીમાં ગોલ્ડન કાંજીવરમ સાડીમાં ચમકતી હતી, સાથે તેણે ગોલ્ડન સાઉથ ઇન્ડિયન પરંપરાગત જ્વેલરી પહેરી હતી. સાથે ગજરા અને મહેંદીથી તે ખુબ સુંદર દેખાતી હતી. જ્યારે નાગા ચૈતન્યએ પરંપરાગત સાઉથ ઇન્ડિયન પાંચા અને કૂર્તા સાથે ધોતી પહેરી હતી.