કોરોના મહામારીએ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીને કેવી અસર પહોંચાડી છે. તેનું મૂલ્યાંકન ચાલી રહ્યું છે, પરંતુ આછેરી નજર નાખતાં પ્રભાવિત થયેલી ફિલ્મોનો અંદાજ માંડી શકાય છે.
દર સપ્તાહે સરેરાશ બે ગુજરાતી ફિલ્મો થિયેટરમાં રિલીઝ થતી હોય છે. ફિલ્મ ડિસ્ટ્રીબ્યુટર વંદન શાહે તાજેતરમાં જણાવ્યું છે કે, કોરોનાને કારણે પેદા થયેલી સ્થિતિમાં ૧૬થી વધુ ફિલ્મોની રિલીઝ મુલતવી રાખવી પડી છે. ઓવર-ધ-ટોપ (OTT)’ પ્લેટફોર્મ પર ફિલ્મ રિલીઝ કરવી આર્થિક રીતે પોષાય તેમ નથી. તેથી ફિલ્મમેકર્સ પાસે હાલ તો બીજો કોઇ વિકલ્પ નથી. રિલીઝ માટે થઇ રહેલો એક એક દિવસનો વિલંબ પણ પ્રોડ્યુસરોને મોટું નુક્સાન કરાવી રહ્યો છે.
આની અસર આગળ વધતાં વધતાં ઇન્ડસ્ટ્રીના અન્ય વિભાગો પર પાડવાની જ છે. ઇતિહાસમાં પહેલી વાર બન્યું છે કે સમગ્ર ભારતીય બોક્સ ઓફિસની આવક ઝીરો હોય. સિનેમા હોલ બંધ કરાવાયા છે. હવે તો સમય જ કહેશે કે લોકો ક્યારે પરંપરાગત રીતે થિયેટરમાં જઇને ફિલ્મ માણવાનો અનુભવ કરી શકશે? ગુજરાતની અનેક ફિલ્મોનું રિલીઝ ૨૦૨૧ સુધી ખેંચાઇ શકે છે.