મુંબઇમાં સેન્ટ્રલ બ્યૂરો ઓફ ઇન્વેસ્ટિગેશન (સીબીઆઈ) દ્વારા જાણીતા ફિલ્મકાર સામે લાંચ કેસમાં ફરિયાદ કરવાની મંજૂરી માગવામાં આવી છે. ગોલમાલ, સિંઘમ, ચેન્નઈ એક્સપ્રેસ જેવી અનેક હિટ ફિલ્મોના દિગ્દર્શક રોહિત શેટ્ટી પર ‘સિંઘમ રિટર્ન્સ’ ફિલ્મ માટે સેન્સર બોર્ડના અધિકારીઓને રૂ. બે લાખની લાંચ આપવાનો આરોપ મૂકાયો છે.
સૂત્રો કહે છે કે, આ ફિલ્મનું સર્ટિફિકેટ મેળવવા શેટ્ટીએ એના પ્રોડક્શન હાઉસ દ્વારા બોર્ડના અધિકારીઓને રૂ. બે લાખની કથિત લાંચ આપી છે. અજય દેવગણ-કરીના કપૂર અભિનિત ‘સિંઘમ રિટર્ન્સ’ નો પ્રીમિયર શો ૧૪ ઓગસ્ટ ૨૦૧૪ના રોજ દુબઈમાં યોજાવાનો હતો. આ પહેલાં ફિલ્મને બોર્ડનું સર્ટિફિકેટ મળે માટે શેટ્ટી અને પલ્લી નામની વ્યકિતએ રાકેશકુમાર નામના અધિકારીને આ લાંચ આપી હોવાનું કહેવાય છે.