લાપતા સોઢીનો ક્યાંય અતોપતો નથી

10 બેન્ક એકાઉન્ટ અને 27 ઇ-મેઇલ આઇડી હતા

Thursday 16th May 2024 07:48 EDT
 
 

‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં રોશનસિંહ સોઢીનું પાત્ર ભજવનારા અભિનેતા ગુરુચરણસિંહના લાપતા થવાનું રહસ્ય વધુ ઘેરાયું છે. દિલ્હી પોલીસની તપાસમાં ખુલ્યું છે કે અભિનેતા 27 અલગ-અલગ ઇમેલ એકાઉન્ટ ઉપયોગ કરતો હતો કારણ કે તેને ભય હતો કે કોઇ તેના પર નજર રાખી રહ્યું છે. એટલું જ નહીં, તે 10 બેન્ક એકાઉન્ટ પણ ધરાવતો હતો. ગુરુચરણના લાપતા થવાના કેસની તપાસથી માહિતગાર પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે ગુરુચરણને શંકા હતી કે કોઇ તેની પર નજર રાખી રહ્યું છે અને તે કારણે જ તે છાશવારે પોતાના ઈમેલ બદલતો હતો. એક રિપોર્ટમાં કહેવાયું છે કે ગુરુચરણની શોધ કરવાના પ્રયાસ કરી રહેલી દિલ્હી પોલીસ હવે જલદી જ આ કેસમાં ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ સિરિયલના કલાકારોની પૂછપરછ કરશે. પોલીસ પ્રારંભિક તબક્કામાં સિરિયલના કલાકારો, ગુરુચરણસિંહના મિત્રો અને પરિવારના સભ્યોની પૂછપરછ કરી રહી છે. પોલીસ આ પૂછપરછ મારફત ગુરુચરણની માનસિક સ્થિતિની જાણકારી મેળવવા માટે છે. તેઓ ગુરુચરણ સાથે લોકોના સંબંધની તપાસ કરવા માટે ફોન પણ કરી રહ્યા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર કેસની તપાસ કરવા અને ખૂટતી કડીઓને જોડવા માટે દિલ્હી પોલીસની એક ટીમ મુંબઈ પહોંચી છે. ઘણાં રિપોર્ટ્સમાં કહેવાયું છે કે ગુરુચરણના જીવનમાં સંકટ હતું, જેમાં તેઓ આર્થિક મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા હોવાની સાથે જ તેઓ જલદી લગ્ન કરવાના હોવાની વાતો સામેલ હતી. ગુરુચરણ ગત 22 એપ્રિલથી લાપતા છે. તે મુંબઇ આવવા માટે ઘરેથી નીકળ્યા તો હતા, પરંતુ તેઓ ના તો એરપોર્ટ પહોંચ્યા કે ના તો ઘરે પરત ફર્યા હતા.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter