બે ફિલ્મફેર, રાષ્ટ્રીય પુરસ્કાર અને બાફ્ટા સન્માનિત અભિનેત્રી રોહિણી હટંગડીનું ફિલ્મોમાં તેમજ નાટ્યક્ષેત્રે અનોખું યોગદાન છે. મહેશ ભટ્ટની ફિલ્મ ‘સારાંશ’માં અનુપમ ખેરનાં પત્નીના પાત્રમાં તેમજ રિચર્ડ એટનબરોની ફિલ્મ ‘ગાંધી’માં બેન કિંગ્સલે એટલે કે મહાત્મા ગાંધીનાં પત્ની કસ્તુરબાનાં રોલમાં દેખાયેલાં રોહિણી હટંગડી ‘ગાંધી’ ફિલ્મના ઓડિશન માટે પ્રથમ વખત બ્રિટન આવ્યાં હતાં. હવે તેઓ ગુજરાતી નાટક ‘બા તને ક્યાં રાખું?’નાં શોઝ માટે બ્રિટનમાં છે ત્યારે તેમની સાથે ગુજરાત સમાચાર અને એશિયન વોઈસને વાતચીતનો અવસર મળ્યો તો તેમણે હિન્દી સિનેમા અને નાટ્યપ્રેમ વિશે મુક્તમને ચર્ચા કરી હતી.
• ‘બા તને...?’માં તમે બાનું કિરદાર કરો છો. ગુજરાતી નાટકમાં અભિનય કરવો અઘરો લાગે છે?
મેં આ પહેલાં પણ ગુજરાતી નાટકોમાં અભિનય આપ્યો છે. જોકે ૧૨ વર્ષ પછી પાછી મેં ‘બા તને...’ માં એક્ટિંગ કરી છે. ૧૯૮૨માં શોભના દેસાઈ સાથે ‘જુગલબંદી’ કરીને ‘સર્પણા’માં અભિનય આપ્યો હતો. ‘બા તને...’ માટે જ્યારે ઓફર આવી ત્યારે મને તેની થિમ ગમી. હું ઓરિજિનલ મરાઠી નાટકમાં પણ છું. ગુજરાતી નાટક વિશે નિર્માતાઓએ કહ્યું કે, આ નાટકની થિમમાં કોઈ બદલાવ કરવા માગતા નથી, માત્ર પ્લોટમાં નાના મોટા સુધારા વધારા કરવા છે. મેં કહ્યું, મને કોઈ વાંધો નથી. આશ્ચર્ય વચ્ચે આ બદલાવો રસપ્રદ અને વૈવિધ્ય ધરાવતા હતા અને ‘બા તને...’ મરાઠી નાટકથી તદ્દન અલગ દેખાઈ આવે છે. હવે ‘બા તને...’નો પ્લોટ સાવ જુદો થઈ ગયો છે અલબત્ત, નાટકનો મૂળ સાર અને સત્ત્વ જળવાઈ રહ્યાં છે.
• તમે ગુજરાતી ભાષા ક્યાંથી શીખ્યાં?
ગુજરાતી નાટકોમાં કામ કરતાં હું ગુજરાતી શીખી છું. અરવિંદ ઠક્કર દિગ્દર્શિત ‘સપર્ણા’ મારું પ્રથમ ગુજરાતી નાટક હતું. ‘સપર્ણા’માં અભિનય પહેલાં મેં અરવિંદ ઠક્કરના મરાઠી નાટકોમાં એક્ટિંગ કરી હતી. તેમણે કહ્યું કે હું તમને ગુજરાતી નાટકમાં કાસ્ટ કરવા માગું છું. મેં કહ્યું કે, મને ગુજરાતી બોલતાં નથી આવડતું. તો કહે કે, મૈં સિખાઉંગા તુમકો ગુજરાતી! અને તેમણે શબ્દો નિભાવ્યા. જોકે પહેલાં મને ગુજરાતી બોલવામાં ઘણી મુશ્કેલી પડતી. હું ગુજરાતીમાં વાક્ય શરૂ કરતી અને હિન્દીમાં પૂરું કરતી, પણ ધીરે ધીરે ફાવટ આવી. હું માનું છું કે હવે હું ગુજરાતી સરસ બોલી અને સમજી શકું છું.
• વધુ ફિલ્મોમાં કેમ નથી દેખાતાં? નાટક તરફ વધુ રસ કેળવી રહ્યાાં છો?
હું પ્રામાણિકપણે જાણતી નથી. કદાચ સારી સ્ક્રિપ્ટ્સના અભાવે. મેં એક સમયે અમિતાભ (બચ્ચન) અને જીતુજી (જિતેન્દ્ર)ની માતાનો રોલ કર્યો હતો, પણ હવે કદાચ હું માતાના પાત્રમાં પણ બંધબેસતી નથી લાગતી. હું હવે દાદીમા છું. (હસે છે.) બીજું કારણ એ પણ છે કે, હું તેલુગુ ફિલ્મોમાં વ્યસ્ત છું. સાઉથના સ્ટાર્સ મહેશબાબુ અને વ્યંકટેશ સાથે કામ કરી ચૂકી છું. મરાઠી સિરિયલ્સમાં કામ કરું છું. ઉપરાંત નાટકો તો ખરાં જ. ‘બા તને...?’ને જ લગભગ એક વર્ષથી વધુ સમય થવા આવ્યો છે છતાં તેના શોઝ હજી ભારતમાં અને વિદેશોમાં ધૂમ મચાવી રહ્યાં છે આ નાટકનાં લગભગ ૨૨૦થી વધુ હાઉસફુલ શો થઈ ચૂક્યાં છે.
• તમારો ડ્રીમ રોલ ક્યો છે?
લેડી મેકબેથ. અત્યાર સુધીમાં ઘણા પાત્રો નિભાવવા પડકારજનક હતાં, પણ હું માનું છું કે નાટકના દરેક કલાકારને જિંદગીમાં એક વખત શેક્સપિયરના નાટકમાંથી કોઈ પાત્ર ભજવવાનો મોકો મળે તો તેનું એક્ટર કે એક્ટ્રેસ હોવું લેખે લાગે.
ઘણાં વર્ષો પછી ગુજરાતી નાટકના શો એડવાન્સમાં હાઉસફૂલ થઈ ગયા છે. ક્રોયડન અને લેસ્ટરના શોની થોડી જ ટિકિટો બાકી છે તેવી માહિતી મળી છે. પબ્લિક ડિમાન્ડના કારણે શુક્રવાર, ૨-૯-૨૦૧ ૬ના રોજ ભારતીય વિદ્યાભવન લંડન ખાતે એક એકસ્ટ્રા શોનું આયોજન કરવામાં આવ્યું છે.