ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીના જીવન પર બનનારી ફિલ્મ ‘પીએમ નરેન્દ્ર મોદી’ આ વર્ષે ૧૨ એપ્રિલના રોજ રિલીઝ થશે. ફિલ્મની રિલીઝ તારીખ જાહેર કરવામાં આવી છે. જેનો મતલબ એ થાય છે કે લોકસભા ચૂંટણી ૨૦૧૯ સમયે જ આ ફિલ્મને રજૂ કરવામાં આવશે. આ ફિલ્મમાં વિવેક ઓબેરોય સિવાય બમન ઇરાની, દર્શનકુમાર, ઝરીના વહાબ, મનોજ જોષી, પ્રશાંત નારાયણ, બરખા બિષ્ટ સેનગુપ્તા, અક્ષત સલુજા, અંજન શ્રીવાસ્તવ, રાજેન્દ્ર ગુપ્તા પણ મહત્ત્વની ભૂમિકામાં જોવા મળશે.
ફિલ્મમાં બમન ઇરાની રતન તાતાની ભૂમિકામાં જોવા મળશે તો ઝરીના વહાબ નરેન્દ્ર મોદીની માતા હીરાબાના રોલમાં જોવા મળશે. ‘મેરી કોમ’ના ડિરેક્ટર ઓમંગ કુમારના વડપણ હેઠળ બની રહેલી આ ફિલ્મમાં વિવેક ઓબેરોય વડા પ્રધાન નરેન્દ્ર મોદીના રોલમાં જોવા મળશે. સંદીપ સિંહ, આનંદ પંડિત અને વિવેકના પિતા સુરેશ ઓબેરોય આ ફિલ્મને પ્રોડ્યુસ કરી રહ્યા છે. નરેન્દ્ર મોદીના જીવન પર બનનારી ફિલ્મમાં અમદાવાદ, કચ્છ, ભુજના લોકેશન દેખાશે. આ ઉપરાંત ઉત્તરકાશી જિલ્લાના હર્ષિલ વેલીમાં પણ કેટલાક દૃશ્યો ફિલ્માવાયા છે.