શાહરુખ ખાનનો ડંકો દેશમાં જ નહીં પરંતુ વિદેશમાં પણ વાગે છે. ભારતમાં જેટલા મોટા પાયે ફેન ફોલોઇંગ છે. તેટલો જ દબદબો વિદેશમાં પણ છે. 77મા લોકાર્નો ફિલ્મ ફેસ્ટિવલમાં શનિવારે બોલિવૂડના બાદશાહને લાઇફટાઇમ એચીવમેન્ટ એવોર્ડથી નવાજવામાં આવ્યા હતા. સ્વિત્ઝર્લેન્ડમાં લોકાર્નોના પિયાજા ગ્રાન્ડે ખાતે 8 હજાર લોકોની વિશાળ ઉપસ્થિતિમાં શાહરુખને આ સન્માન અપાયું હતું.
એવોર્ડ સ્વીકાર્યા બાદ શાહરુખ ભાવુક થઇ ગયો હતો. હાથમાં એવોર્ડ ઊંચકીને કહ્યું કે, ‘ખૂબ ભારે છે. ખૂબ જ સૌંદર્ય મઢેલા, સાંસ્કૃતિક શહેરમાં ખુલ્લા મને મને આવકારવા બદલ હું તમારા સૌનો આભાર માનું છું.' તેમણે વધુમાં કહ્યું કે, ‘નાનકડા સ્થાને આટલી ગરમીમાં આટલા બધા લોકો એકઠા થયા તે જોઈને એવું લાગે છે કે હું મારા દેશ ભારતમાં છું. મને અહીં બોલાવવા બદલ તમારા સૌનો આભાર.’
શાહરુખના વર્ક ફન્ટ વિષે વાત કરવામાં આવે તો શાહરુખ ટૂંક સમયમાં ફિલ્મ ‘કિંગ’માં જોવા મળશે. પુત્રી સુહાના સાથે તે સ્ક્રીન પર જોવા મળશે. અભિષેક બચ્ચન ફિલ્મમાં વિલનની ભૂમિકામાં છે. ‘કિંગ’ એક એક્શન-થ્રિલર ફિલ્મ છે, જેમાં ગુરુ-શિષ્યની સફર દર્શાવાઇ છે.