રાઝી માટે ‘એ વતન મેરે વતન આબાદ રહે તુ’ જેવી ફિલ્મની પંક્તિઓ જ સાક્ષી પૂરે છે કે આ ફિલ્મ દેશભક્તિ પર આધારિત છે. ‘ફિલહાલ’, ‘જસ્ટ મેરિડ’ અને ‘તલવાર’ની ફિલ્મમેકર મેઘના ગુલઝારની ફિલ્મ ‘રાઝી’માં દેશદાઝ સાથે સુંદર પટકથા પણ છે.
વાર્તા રે વાર્તા
આ ફિલ્મ એક ઇન્ડિયન ગર્લ અંડરકવર એજન્ટની ઘટનાથી પ્રેરિત છે. ૧૦૭૧માં ભારત-પાકિસ્તાન વચ્ચે યુદ્ધની સ્થિતિ હતી ત્યારે અંડરકવર એજન્ટ પાકિસ્તાનમાં પરણે છે અને જોઈતી માહિતી એકઠી કરીને ભારતની મદદ કરે છે, તે આ ફિલ્મમાં છે. યુદ્ધની સ્થિતિમાં કાશ્મીરી બિઝનેસમેન હિદાયત ખાન (રજિત કપૂર)ને જાણ થાય છે કે બંને દેશો વચ્ચે માહોલ તંગ થવાનો છે. હિદાયતની વેપાર માટે ભારતથી પાકિસ્તાન આવનજાવન રહે છે. પાકિસ્તાની આર્મીમાં બ્રિગેડિયર પરવેઝ સૈય્યદ (શિશિર શર્મા) સાથે તેમને સારી મિત્રતા હોય છે. હિદાયત દેશની રક્ષા માટે આ મિત્રતાનો સહારો લે છે. તે પોતાની દીકરી (આલિયા ભટ્ટ) માટે બ્રિગેડિયરના દીકરા ઈકબાલ (વિકી કૌશલ)નો હાથ માગે છે. ઈકબાલ આર્મી ઓફિસર છે. સહમત એક કાશ્મીરી છોકરી છે. તે અજાણ હોય છે કે તેના પિતા તેના નિકાહ નક્કી કરીને આવ્યા છે. જોકે દેશ માટે સહમત પાકિસ્તાનમાં પરણે છે. તેની પાકિસ્તાન વિદાય પહેલાં તેને કાબેલ જાસૂસ બનવાની તૈયારી કરાવાય છે. તેને રો એજન્ટ ખાલિદ મીર (જયદીપ અહલાવત) તૈયાર કરે છે. સહમત સાસરાના ઘરમાં અનેરું સ્થાન બનાવે છે અને પાકિસ્તાન આર્મીના ભારત વિરુદ્ધના ષડયંત્રોની જાણકારી ભારતને આપતી રહે છે. જોકે સહમત અને ઈકબાલ વચ્ચે પ્રેમસંબંધ પણ વિકસે છે. જોકે લવસ્ટોરી અને ફિલ્મનો અંત શું આવે છે તે માટે ફિલ્મ જોવી રહી.
દમદાર એક્ટિંગ
ફિલ્મમાં આલિયા ભટ્ટ સાથે સાથે દરેક કલાકારની એક્ટિંગ વખણાઈ છે. એક રોયલ, સંતુલિત અને સારા માણસ તરીકે વિકી કૌશલ જામે છે. રો એજન્ટની ભૂમિકામાં જયદીપ અહલાવતની ભૂમિકા પણ સારી છે. રજિત કપૂર, શિશિર શર્મા, આરિફ જકારિયાએ પણ પોતાના પાત્રોને સારો ન્યાય આપ્યો છે.
કર્ણપ્રિય સંગીત
ફિલ્મમાં ‘દિલબરો’, ‘એ વતન’ અને ‘રાઝી’ ગીતો કર્ણપ્રિય છે. ગીતકાર ગુલઝારના લખેલા ‘એ વતન’ ગીતની શંકર-અહેસાન-લોય દ્વારા સુંદર રજૂઆત થઈ છે.