વરુણ ધવન અને નતાશા દલાલ હાલ એેક પુત્રીના પેરન્ટસ બન્યા છે. યુગલને ત્યાં ત્રીજી મેના રોજ એક કન્યારત્નનો જન્મ થયો છે. જેના શુભ સમાચાર પુત્રીના દાદા અને જાણીતા નિર્માતા-દિગ્દર્શક ડેવિડ ધવને આપ્યા હતા. આલિયા ભટ્ટ સહિતની બોલીવૂડ હસ્તીઓએ વરુણને અભિનંદન પાઠવ્યાં હતાં. વરુણે બીજા દિવસે એક વીડિયો પણ શેર કર્યો હતો. તેણે દીકરીના જન્મની ખુશાલી વ્યક્ત કરી હતી અને ઈશ્વરનો આભાર માન્યો હતો. સાથે સાથે તેણે પુત્રીજન્મ પ્રસંગે શુભેચ્છા આપનારા સૌનો આભાર પણ માન્યો હતો. બીજી મેના રોજ સાંજે વરુણ હોસ્પિટલની બહાર જોવા મળ્યો હતો. તે પરથી નતાશાની ડિલિવરી નક્કી થઈ ગઈ હોવાની અટકળો પ્રસરી હતી. બાદમાં મોડી રાતે તેને ત્યાં દીકરી જન્મી હોવાના સમાચાર આવ્યા હતા.