વર્ષ 2024માં સૌથી વધુ કમાણી કરનાર ફિલ્મ કઇ તેવા પ્રશ્નનો તમે શું જવાબ આપશો? બહુમતી વર્ગનો જવાબ હશે - ‘પુષ્પા-ટુ’. પણ ના, ફિલ્મ ચાહકોને આશ્ચર્ય થાય તેવી હકીકત એ છે કે, 2024માં ભારતની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મનો રેકોર્ડ મલયાલમી ફિલ્મ ‘પ્રેમાલુ’ના નામે નોંધાયો છે. નવોદિત કલાકારો સાથેની આ ફિલ્મનું બજેટ ફક્ત ત્રણ કરોડ રૂપિયા હતું, પણ નફો રૂ. 136 કરોડ કર્યો છે. આમ તેણે બજેટ કરતાં 45 ગણો વધુ વકરો કર્યો છે.
‘પુષ્પા-ટુ’એ 1800 કરોડ રૂપિયાની કમાણી કરી છે પરંતુ તેને બનાવવા માટે 350 કરોડ રૂપિયાનો ખર્ચો કરાયો છે. તેથી આ ફિલ્મે બજેટથી લગભગ પાંચ ગણી જ કમાણી કરી છે. ‘કલ્કિ 2898 એડી’એ પોતાના બજેટ કરતાં બે ગણી કમાણી કરી છે. જ્યારે ‘સ્ત્રી-ટુ’નું બજેટ 90 કરોડ રૂપિયા હતું અને તેણે 875 કરોડ એટલે કે 10 ગણી કમાણી કરી છે. જ્યારે ‘પ્રેમાલુ’એ સાબિત કરી દીધું છે કે, બોક્સ ઓફિસ પર નફો કરવા માટે ટોચના સ્ટાર્સ કે ધરખમ બજેટની જરૂર નથી. પરંતુ એક મજબૂત વાર્તા અને સારી એકટિંગ પણ દિલ જીતી શકે છે અને ફિલ્મના બજેટ કરતા અનેક ગણી કમાણી કરી શકે છે.