મુંબઇઃ ૧૩ વર્ષ જૂના હિટ એન્ડ રન કેસમાં બોમ્બે હાઇ કોર્ટે બોલીવૂડ સ્ટાર સલમાન ખાનને તમામ આરોપોમાંથી નિર્દોષ મુક્ત કર્યો છે. ઉલ્લેખનીય છે કે, અગાઉ સેશન્સ કોર્ટે વર્ષ ૨૦૦૨ના આ જ કેસમાં સલમાનને દોષિત ઠરાવતો ચુકાદો આપીને પાંચ વર્ષ કેદની સજા ફટકારી હતી. સલમાને આ ચુકાદાને હાઈ કોર્ટમાં પડકાર્યો હતો. હાઇ કોર્ટે ચુકાદો સંભળાવતાં જ કોર્ટ રૂમમાં ઉપસ્થિત સલમાન ખાન ભાવુક થઇને રડી પડ્યો હતો.
ચુકાદો જાહેર કરતાં કોર્ટે કહ્યું હતું કે, ફરિયાદી પક્ષે રજૂ કરેલા પુરાવાઓના આધારે સલમાનને દોષિત ઠેરવી શકાય નહીં. ફરિયાદી પક્ષ સલમાન વિરુદ્ધ તમામ આરોપોમાં પોતાનો પક્ષ સાબિત કરવામાં નિષ્ફળ રહ્યો હોવાથી કોર્ટ સલમાનને નિર્દોષ જાહેર કરે છે.
આ કેસની ૧૦મી ડિસેમ્બરે હાથ ધરાયેલી સુનાવણી માટે કોર્ટ તરફથી સલમાનને આદેશ હતો કે, કોઈ પણ સંજોગોમાં તેણે કોર્ટમાં હાજર રહેવું પડશે. આથી શૂટિંગના વ્યસ્ત શિડ્યુલ વચ્ચે પણ સલમાન બપોરે દોઢ વાગ્યે અદાલત સમક્ષ હાજર થયો હતો.
બોમ્બે હાઈ કોર્ટે સપ્ટેમ્બર ૨૦૦૨માં બાન્દ્રા વિસ્તારમાં ફૂટપાથ પર કાર ચડાવી દઇને એક વ્યક્તિની હત્યાના કેસમાં સલમાન સામેના આરોપોની સુનાવણી કરી હતી. જજે કોર્ટમાં ચુકાદો આપતાં ટાંક્યું હતું કે, ન્યાયમાં જનમત માટે કોઈ જ સ્થાન નથી. કાયદાકીય રીતે જે યોગ્ય હશે તે જ ચુકાદો હશે. ન્યાયાધીશે એમ પણ કહ્યું હતું કે, સેશન્સ કોર્ટમાં કેસની સુનાવણીમાં પારદર્શી વલણ રહ્યું હતું, પણ ફરિયાદી પક્ષ પોતાના આરોપોને યોગ્ય રીતે સાબિત કરવામાં નિષ્ફળ રહ્યો છે.
હાઈ કોર્ટમાં મંગળવારે આ કેસ સંદર્ભે અંતિમ તબક્કાની કાર્યવાહી શરૂ થઈ હતી. જેમાં અદાલતે કેસના મુખ્ય સાક્ષી અને સલમાનને પોલીસ રક્ષણ અર્થે અપાયેલા બોડીગાર્ડ પોલીસ કોન્સ્ટેબલ સ્વ. રવીન્દ્ર પાટિલની જુબાની અંગે પણ કેટલાક સવાલ કર્યાં હતાં. આ જ રીતે અદાલતે અકસ્માત વખતે સલમાનની કારમાં હાજર ગાયક કમાલ ખાનને કોર્ટમાં રજૂ નહીં કરવાના સરકારી પક્ષના વલણ પર પણ આશ્ચર્ય વ્યક્ત કર્યું હતું.
બુધવારે જજ એ. આર. જોશીએ આ મામલે નિર્ણય સંભળાવતી વખતે ટિપ્પણી કરી હતી કે, કોન્સ્ટેબલ પાટિલે આ પહેલાં જ્યારે જુબાની આપી હતી ત્યારે શંકાસ્પદ રહી હતી. પાટિલે અકસ્માતના થોડા સમય પછી બાન્દ્રા પોલીસ સ્ટેશનમાં આ કેસની ફરિયાદ નોંધાવી હતી, પરંતુ ફરિયાદમાં એ બાબતનો ઉલ્લેખ જ ન હતો કે સલમાન નશાની હાલતમાં કાર ચલાવી રહ્યો હતો કે નહીં? જ્યારે પહેલી ઓક્ટોબર ૨૦૦૨ના રોજ પાટિલનું નિવેદન નોંધવામાં આવ્યું ત્યારે તેણે કહ્યું હતું કે, સલમાને દારૂ પીધો હતો અને પૂરપાટ ગાડી હંકારવા બદલ મેં તેને ચેતવણી પણ આપી હતી. સેશન્સ કોર્ટે પાટિલની આ જુબાનીને આધાર બનાવીને સલમાન ખાનને પાંચ વર્ષની સજા ફટકારી હતી.
સલમાન સામેનો કેસ
૨૮ સપ્ટેમ્બર, ૨૦૦૨ની મધરાતે સલમાન ખાનની લેન્ડ ક્રૂઝર કાર બાન્દ્રામાં હિલ રોડ પર બેકરીમાં અથડાઈ હતી. આ દરમિયાન ફૂટપાથ પર સૂતેલા પાંચ મજૂરો હડફેટે આવી ગયા હતા. એક મજૂરનું મૃત્યુ થયું હતું. પોલીસ સવારે ત્રણ વાગ્યે ઘટનાસ્થળે પહોંચી હતી. સવારે જ સલમાનના જામીન થઈ ગયા.
ચુકાદો, જામીન, મુક્તિ
આ કેસમાં ઘણા લાંબા કાનૂની જંગ બાદ ૧૩ વર્ષે સેશન્સ કોર્ટે ચુકાદો આપતાં સલમાનને દોષિત ઠરાવ્યો હતો. કોર્ટે સલમાનને આઈપીસીની કલમ ૩૦૨એ (બેદરકારીભર્યુ ડ્રાઇવિંગ), ૨૭૯ (રેશ ડ્રાઇવિંગ), ૩૩૭ (નાનીમોટી ઈજા પહોંચાડવી), ૩૩૮ (મોટો અકસ્માત કરવો), ૪૨૭ (બેદરકારી), મોટર વ્હિકલ એક્ટની વિવિધ સેક્શન અને ડ્રાઇવિંગ એક્ટ હેઠળ દોષિત ઠરાવીને પાંચ વર્ષની સજા ફટકારી હતી. આ ચુકાદના બે દિવસમાં સલમાનને જામીન મળી ગયા હતા. હવે હાઇ કોર્ટે સલમાનને આ તમામ આરોપોમાંથી મુક્ત કર્યો છે. આમ ૧૩ વર્ષે ચૂકાદો આવ્યો, બે દિવસમાં હાઈ કોર્ટથી જામીન મળ્યા અને સાત મહિને તે નિર્દોષ જાહેર થયો.
હાઈ કોર્ટનું ઓબ્ઝર્વેશન
• સલમાન સામે કોઈ ગુનો સાબિત થતો નથી, ગુના એવી રીતે સાબિત થવા જોઈએ કે શંકા ન જાય. સરકારી પક્ષ આરોપ સાબિત કરવામાં નિષ્ફળ ગયો છે.
• સરકારી વકીલે તમામ મહત્ત્વના સાક્ષીઓના નિવેદન આપ્યા નથી. તેમણે ઈજાગ્રસ્તોના નિવેદન આપ્યા છે તેમાં પણ વિરોધાભાસ છે. આ જોતાં કેસમાં સલમાનની સંડોવણી હોવાની શક્યતાઓ નહિવત્ જણાય છે.
• સરકારી સાક્ષી રવીન્દ્ર પાટિલના નિવેદન પર ભરોસો કરી શકાય નહીં, કારણ કે અકસ્માત બાદ તેણે સલમાને દારૂ પીધો હોવાનું અથવા ગાડી ચલાવતો હોવાનું જણાવ્યું નહોતું. પાંચ મહિના બાદ તેણે જણાવ્યું કે, અકસ્માત સમયે સલમાન ગાડી ચલાવતો હતો અને તેણે દારૂ પીધો હતો. આમ રવીન્દ્ર પાટિલના નિવેદનમાં વિરોધાભાસ જોવા મળે છે.
• તપાસ યોગ્ય રીતે થઈ જ નથી.
• કમાલ ખાનને પૂછપરછ માટે કેમ બોલાવ્યો નહીં?
• નીચલી અદાલતે પુરાવાનું યોગ્ય ધ્યાન રાખ્યું નહોતું.
• તમામ પુરાવા પરિસ્થિતિજન્ય હતા એટલે કે તે વખતની સ્થિતિને આધીન હતા.
• શરાબ પીને ગાડી ચલાવવાના આરોપો પણ સરકારી વકીલ યોગ્ય રીતે સાબિત કરી શક્યા નથી.
• નીચલી અદાલતે બારનું બિલ પુરાવા તરીકે સ્વીકારી લીધું પણ તેનું પંચનામું થયું જ નહોતું.
હવે શું થશે?
- સલમાન ખાન આ કેસમાં જામીન પર હોવાથી પહેલાં બોન્ડ ભરીને તે પ્રક્રિયા પૂરી કરવી પડશે.
- મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે જણાવ્યું કે, હાઈ કોર્ટના ચુકાદાનો અભ્યાસ પછી તેની વિરુદ્ધમાં સુપ્રીમ કોર્ટમાં જવું કે નહીં તે અંગે નિર્ણય કરવામાં આવશે.
- સરકારી વકીલ પાસે આ ચુકાદાને પડકારવાની બે તક છે. એક તો સરકારી વકીલ આ ચુકાદાની સામે સ્પેશિયલ લીવ પિટિશન દાખલ કરે. તેમાં કોર્ટે આપેલા ચુકાદા પછી પણ ઊભા થતાં સવાલો અંગે ચર્ચા કરી શકાય છે.
- સરકારી વકીલ આ કેસમાં બીજા વિકલ્પ તરીકે સુપ્રીમ કોર્ટમાં પણ જઈ શકે છે.
•••
બે સવાલો ૧૩ વર્ષે પણ અનુત્તર
• તો પછી નરુલ્લાને કોણે માર્યો?
સલમાન ખાન હિટ એન્ડ રન કેસમાં નરુલ્લા શરીફ એકમાત્ર વ્યક્તિ હતી જેણે જીવ ગુમાવ્યો હતો. આ સિવાયના ચાર લોકોને ઈજા થઈ હતી. સરકારી વકીલે દલીલ કરી હતી કે સલમાન કાર ચલાવતો હતો અને તે કાર બેકરીમાં ઘૂસી જતાં ફૂટપાથ પર સૂતેલા નરુલ્લાનો જીવ ગયો હતો જ્યારે બાકીના ચારને ઈજા થઈ હતી. બચાવ પક્ષે જણાવ્યું કે, કાર અથડાઈ ત્યારે સલમાન ચલાવતો જ નહોતો. બીજી તરફ બચાવ પક્ષ એવું પણ જણાવે છે કે, નરુલ્લાને હોસ્પિટલ લઈ જવાયો ત્યાં સુધી તે જીવિત હતો. હોસ્પિટલમાં તેનું મોત થયું હતું તેથી ઘટનાસ્થળે અને કાર ચડવાથી જ મોત થયું છે તે કહેવું અયોગ્ય છે. સલમાનના ડ્રાઈવરે સેશન્સ કોર્ટમાં કબૂલ્યું હતું કે તે દિવસે કાર તે જ ચલાવતો હતો. એકંદરે કાયદાકીય તજજ્ઞો અને લોકોમાં એક જ સવાલ ચાલે છે કે નરુલ્લાનું મોત થયું તે વાસ્તવિકતા છે, પણ તેને માર્યો કોણે?
• કમાલ ખાનને કેમ ન બોલાવાયો?
આ કેસમાં અન્ય સાક્ષી કે જે ઘટનાસ્થળે હતો તે કમાલ ખાનની તપાસ કે પૂછપરછ કેમ ન કરવામાં આવી તે સવાલે પણ ચર્ચા જગાવી છે. ‘હિન્દુસ્તાન ટાઈમ્સ’ અખબારના અહેવાલમાં જણાવાયું છે કે, તે સમયે કમાલ ખાને નિવેદન આપ્યું હતું કે, હું અકસ્માત સમયે ત્યાં જ હાજર હતો. સલમાન ગાડી ચલાવતો હતો અને તેણે ગાડી પરથી કાબૂ ગુમાવ્યો હતો. તે વખતે લોકો સલમાનને કારની બહાર કાઢવા મથતા હતા, પણ તેના બોડીગાર્ડ તેને સુરક્ષિત રીતે બહાર લઈ ગયા અને ત્યાંથી ચાલ્યા ગયા. પ્રોસિક્યુશન દ્વારા ક્યારેય કમાલ ખાનની પૂછપરછ જ કરવામાં આવી નહોતી. તેમણે ક્યારેય કોર્ટને કહ્યું જ નહોતું કે કમાલ ખાનને સમન્સ પાઠવીને બોલાવવામાં આવે. આ કેસમાં રવીન્દ્ર પાટિલ બાદ કમાલ ખાન જ હતો, જે સલમાનની વિરુદ્ધમાં જુબાની આપી ગયો હતો. કમાલ ખાનની ફરીથી તપાસ કે પૂછપરછ કેમ ન કરાઈ તે રહસ્ય આજે પણ અકબંધ છે.