સંજય દત્તને ૧૯૯૩ના મુંબઈના શ્રેણીબદ્ધ બોમ્બ ધડાકામાં પાંચ વર્ષની સજા થયા પછી તેણે શરણાગતિ સ્વીકાર્યાના બે મહિનામાં તેને ઉપરાઉપરી પેરોલ અને ફર્લો રજાઓ કઈ રીતે અપાઈ એવો પ્રશ્ન બોમ્બે હાઈ કોર્ટે રાજ્ય સરકારને પૂછ્યો હતો. કેદીનું સારું વર્તન અને આચરણ કઈ રીતે નક્કી કરાય છે અને સંજયને કયા આધાર અને માપદંડ પર વહેલો છોડી મુકાયો હતો એવું કોર્ટે પૂછ્યું હતું. ૮ જુલાઈ, ૨૦૧૩ના સંજયે ફર્લો રજા માગી અને ૨૫ જુલાઈએ પેરોલ માગી. બંને રજાઓની અરજી ઉપરાઉપરી મંજૂર કરાઈ હતી. ગેરકાયદે શસ્ત્રો રાખવા બદલ પાંચ વર્ષની સજાના સંદર્ભમાં તેની બાકીની સજા પૂરી કરવા માટે સંજય દત્તે મે ૨૦૧૩માં શરણાગતિ સ્વીકારી હતી. ત્યાર બાદ માત્ર બે મહિનામાં તેનું સારું વર્તન અને આચરણ કઈ રીતે નક્કી કર્યું તેવો સવાલ કોર્ટનો હતો. સરકારે સંજયને પાછો જેલમાં મોકલવા તૈયારી બતાવી હતી.