પહેલાં ‘બાલિકા વધુ’ જેવી ટીવી સિરિયલ, બાદમાં ‘મિર્ઝાપુર’ જેવી વેબસીરિઝ અને તાજેતરની ‘12વી ફેઈલ’ જેવી વખણાયેલી ફિલ્મોથી જાણીતા બનેલા કલાકાર વિક્રાંત મેસીએ માત્ર 37 વર્ષની વયે એક્ટિંગ છોડવાની જાહેરાત કરતાં અસંખ્ય ચાહકો ઉપરાંત સંખ્યાબંધ બોલિવૂડ સેલિબ્રિટી પણ આશ્ચર્યમાં ગરકાવ થઈ ગયા છે. વિક્રાંત ખરેખર કાયમી કે પછી હંગામી બ્રેક લઈ રહ્યો છે કે બોલીવૂડ સ્ટાઈલ પ્રમાણે આ કોઈ પબ્લિસિટી સ્ટન્ટ છે તે વિશે પણ અટકળો થઈ રહી છે. વિક્રાંતની ગોધરા કાંડ પરની તાજેતરની ફિલ્મ ‘સાબરમતી રિપોર્ટ’ રીલિઝ થયા બાદ તેને અને તેના પરિવારજનોને હત્યાની ધમકી મળી હતી તેની સાથે સન્યાસની આ જાહેરાતને કોઈ કનેક્શન છે કે કેમ તે વિશે પણ ચર્ચા ચાલે છે. વિક્રાંતે રવિવારે મોડી રાતે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ દ્વારા પોતે ક્ષેત્ર સન્યાસ લઈ રહ્યાનું જાહેર કર્યું હતું.
તેણે લખ્યું હતું કે પોતે હાલ એકટિંગ છોડી એક પતિ, પિતા અને પુત્ર તરીકે ફરજ બજાવવા પર ફોક્સ કરશે. તેણે લખ્યું છે કે પાછલાં કેટલાંક વર્ષો કારકિર્દીની રીતે બહુ અદ્ભૂત રહ્યાં છે પરંતુ હવે ઘર તરફ પાછા ફરવાનો સમય આવી ગયો છે.
થોડા સમય પહેલાં જ વિક્રાંતે એક ઈન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે ‘સાબરમતી રિપોર્ટ’ ફિલ્મ પછી તેની અને તેનાં નવજાત સંતાનની હત્યા કરવાની ધમકીઓ મળી રહી છે. મને વિચાર આવે છે કે, આપણે ક્યા સમાજમાં જીવી રહ્યા છીએ? અફસોસ થાય છે, ડર નથી લાગતો. ડર લાગતો હોત તો આ ફિલ્મ બનાવીને સત્ય વાત બહાર લાવત નહીં.
હજુ વિક્રાંતની એક-બે ફિલ્મો 2025માં રીલિઝ થવાની છે. તે પછી તે હાલમાં કોઈ મોટો પ્રોજેક્ટ નહિ સ્વીકારે એ સ્પષ્ટ છે. થોડા સમય પહેલાં જ અટકળો વ્યક્ત થઈ હતી કે વિક્રાંતને રણવીર સિંહ અને કિયારા અડવાણીની ‘ડોન થ્રી’માં વિલનની ભૂમિકા ઓફર કરાઈ છે.
ઇન્ટરનેશન ફિલ્મ ફેસ્ટિવલમાં ઇંડિયન ફિલ્મ પર્સનાલિટી ઓફ ધ યર એવોર્ડ
વિક્રાંત મેસીને તાજેતરમાં ગોવામાં સંપન્ન થયેલા 55મા ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઓફ ઇંડિયા (આઈએફએફઆઈ)ના ભવ્ય સમાપન સમારંભમાં પ્રતિષ્ઠિત ઈન્ડિયન ફિલ્મ પર્સનાલિટી ઓફ ધ યરનો એવોર્ડ એનાયત કરાયો હતો. વિક્રાંત મેસ્સીને સિનેમામાં અસાધારણ પ્રદાન બદલ ગોવાના મુખ્યમંત્રી પ્રમોદ સાવંત અને માહિતી અને પ્રસારણ મંત્રાલયના સચિવ સંજય જાજુના હસ્તે આ એવોર્ડ એનાયત થયો હતો. વિક્રાંત મેસ્સીએ આ એવોર્ડ સ્વીકારતા કહ્યું હતું કે ‘આ મારા માટે ખરેખર ખાસ ક્ષણ છે. મેં ક્યારેય વિચાર્યું પણ નહોતું કે મને આવું સન્માન મળશે. જીવનમાં ઉતાર-ચડાવ આવતા હોય છે, પરંતુ મારા પાત્રએ ફિલ્મ બારહવી ફેઈલમાં જેમ કર્યું હતું એમ આપણે હંમેશાં નવેસરથી શરૂઆત કરવા માટે તૈયાર રહેવું જોઈએ.’ તેણે વધુમાં ઉમેર્યું હતું, ‘હું એક વાર્તાકાર છું જે મને સામાન્ય લોકોનો અવાજ બનવા દે છે, તમારી જાતને, તમારી વાર્તાઓ અને તમારા મૂળને સ્વીકારો, પછી ભલે તમે જ્યાંથી આવ્યા હો. ભારતીય ફિલ્મ ઉદ્યોગ સૌથી અદ્ભુત ઉદ્યોગોમાંનો એક છે અને તેનો ભાગ બનવું ખૂબ જ શાનદાર છે.’
વિક્રાંત મેસ્સીની ફિલ્મોગ્રાફીમાં ‘દિલ ધડકને દો’ (2015), ‘અ ડેથ ઇન ધ ગંજ‘ (2016), ‘લિપસ્ટિક અંડર માય બુરખા’ (2016), ‘હાફ ગર્લફ્રેન્ડ’ (2017), ‘ડોલી કિટ્ટી ઔર વો ચમકતે સિતારે’ (2019), ‘ગિન્ની વેડ્સ સની’ (2020) અને સાયન્સ ફિક્શન ફિલ્મ ‘કાર્ગો’ (2020) જેવા નોંધપાત્ર પ્રોજેક્ટ્સનો સમાવેશ થાય છે.