બોલિવૂડ અભિનેતા વિજય વર્મા અને અભિનેત્રી તમન્ના ભાટિયા બ્રેકઅપના અહેવાલો વચ્ચે ચર્ચામાં છે. બ્રેકઅપ મુદ્દે લાંબો સમય મૌન ધારણ કર્યા પછી વિજય વર્માએ હવે એક કાર્યક્રમમાં આ મુદ્દે પોતાની વાત મૂકી છે. વિજયે કોઈપણ સંબંધના તમામ આયામોનો સ્વીકાર કરવાની વાત કરતાં કહ્યું હતું કે, ‘તમે સંબંધની વાત કરી રહ્યા છો ને? મને લાગે છે કે તમે જો એક આઈસક્રીમની જેમ સંબંધોનો આનંદ લેશો તો ખુશ રહેશો. કહેવાનું તાત્પર્ય એટલું કે જે ફ્લેવર આવે તેને અપનાવો અને આગળ વધો.’ અહેવાલમાં કહેવાયું છે કે તમન્ના ભાટિયા અને વિજય વર્મા એકબીજાને બે વર્ષ સુધી ડેટ કરતા રહ્યા હતા. માર્ચના પ્રારંભે તેમના બ્રેકઅપના ખબર સામે આવ્યા હતા જોકે તેમણે અલગ થવાનો નિર્ણય કેમ લીધો તે હકીકત સામે આવી નથી. તાજેતરમાં બંને રવિના ટંડનની હોળી પાર્ટીમાં અલગ અલગ એન્જોય કરતા જોવા મળ્યા હતા. હાલમાં તમન્ના અને વિજય બંને પોતપોતાના પ્રોજેક્ટમાં બિઝી છે.