ફિલ્મ ફેડરેશન ઓફ ઇન્ડિયા દ્વારા ગુજરાતી ફિલ્મોના પીઢ અભિનેતા નરેશ કનોડિયાની પસંદગી ફોરેન ફિલ્મ સિલેક્શન જ્યુરીમાં થઇ છે. ૧૫૦થી વધુ ફિલ્મોમાં અભિનય અને ૨૦૦થી વધુ ફિલ્મોમાં મોટાભાઈ મહેશ કનોડિયા સાથે સંગીત આપી ચૂકેલા નરેશ કનોડિયા ભાજપના ધારાસભ્ય પણ રહી ચૂક્યા છે. વર્ષ ૨૦૦૨માં નરેશ કનોડિયા વડોદરા જિલ્લાની કરજણ-શિનોર બેઠકના ધારાસભ્ય હતા. ૭૩ વર્ષીય નરેશ કનોડિયાએ કહ્યું હતું કે, ‘ભારત સરકારે બનાવેલી નિર્ણાયક સમિતિમાં હોવું એ મારા માટે સૌભાગ્યની વાત છે.’
ઓસ્કર સહિતના અન્ય વિદેશી એવોર્ડમાં ભારતીય ફિલ્મો પ્રતિનિધિત્વ કરે એ માટે આ સમિતિ ફિલ્મો નિહાળશે અને તેમાંથી પસંદગી કરશે. ભારતના દરેક રાજ્યની એક વ્યક્તિનો આ સમિતિમાં સમાવેશ થાય છે. નરેશ કનોડિયાએ છેલ્લાં છ વર્ષમાં તેમણે કોઈ ગુજરાતી ફિલ્મ નથી જોઈ. તેઓ કહે છે કે, ‘જે ફિલ્મોના સુપરસ્ટારપદ પર રહ્યા હોઈએ એ જ ફિલ્મનું સ્તર કથળ્યાની ફરિયાદ પણ સાંભળી છે, પરંતુ હવે જ્યુરી-મેમ્બર તરીકે ગુજરાતી અને દેશની અન્ય ભાષામાં બનતી ફિલ્મોની સરખામણી કરાશે ત્યારે સાચા પિક્ચરની ખબર પડશે.’