ભારતમાં નિર્મિત ફિલ્મ નાનક શાહ ફકીરનાં યુકેમાં પ્રદર્શન સામે શીખ સમુદાયે ઉગ્ર વિરોધ કરતાં થિયેટરોને આ ફિલ્મ ઉતારી લેવી પડી હતી. ગત સપ્તાહે વૂલ્વરહેમ્પટનના સિનેવર્લ્ડ થિયેટર સામે શીખ પ્રદર્શનકારીઓએ ઉગ્ર દેખાવો કર્યા હતા, જેને પગલે થિયેટર ચેઇનના માલિકોએ ફિલ્મનું પ્રદર્શન રદ્ કર્યું હતું. આ વિરોધને કારણે અનેક દર્શકોને ફિલ્મ અધૂરી છોડીને બહાર જવું પડ્યું હતું. થિયેટર માલિકોએ જણાવ્યું હતું કે તેઓ આ ઘટનાની પોલીસ તપાસમાં સહકાર આપી રહ્યા છે. નાનક શાહ ફકીર શીખ ધર્મના સ્થાપક ગુરુ નાનકનાં જીવન પર આધારિત છે. શીખ ધર્મમાં કોઈ પણ વ્યક્તિ ગુરુ નાનકની ભૂમિકા પડદા પર ભજવી શકતો નથી. ધર્મમાં તેના પર પ્રતિબંધ મુકાયો છે, તેથી શીખ સમુદાય દ્વારા ફિલ્મ સામે વિરોધ વ્યક્ત કરાયો છે. ભારતમાં આ ફિલ્મ સામે ઉગ્ર આક્રોશ પ્રવર્તી રહ્યો છે. ફિલ્મ નિર્માતાઓ દ્વારા ફિલ્મમાં શીખ સમુદાયને સંતોષ થાય તેવા બદલાવ ન કરાય ત્યાં સુધી ફિલ્મનાં પ્રદર્શન પર પંજાબમાં પ્રતિબંધ મુકાયો છે. ફિલ્મમાંથી ગુરુ નાનકને શારીરિક સ્વરૂપે દર્શાવતાં દૃશ્યો કાપી નાખવાની માગ સમુદાયે કરી છે.