વીતેલા જમાનાની વિખ્યાત અદાકારા નિમ્મીનું લાંબી બીમારી બાદ ૨૫મી માર્ચે સાંજે અવસાન થયું હતું. તેઓ ૮૭ વર્ષનાં હતાં. નિધન પહેલાં ત્રણ દિવસથી મુંબઈના એક હોસ્પિટલમાં તેઓને દાખલ કરાયાં હતાં. નિમ્મીના પતિ એસ. અલી રઝાનું વર્ષ ૨૦૦૭માં અવસાન થયું હતું અને નિમ્મી પોતાનાં ભત્રીજી પરવીનની સાથે જૂહુમાં રહેતાં હતાં. નિમ્મીની અંતિમક્રિયા ૨૬મી માર્ચે ખૂબ જ ઓછા લોકોની હાજરીમાં બપોરે કરાઈ હતી. છેલ્લા થોડા સમયથી નિમ્મીને શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી હતી. ઉપરાંત તેઓ ડિમેન્શિયા એટલે કે યાદ ન રહેવાની બીમારીથી પણ પીડાતાં હતાં.
બ્લેક એન્ડ વ્હાઈટ જમાનાનાં આ અભિનેત્રીએ રાજ કપૂર, નરગિસ અને પ્રેમનાથ સ્ટારર ‘બરસાત’ (૧૯૪૯)થી ફિલ્મી કારકિર્દીની શરૂઆત કરી હતી. એ પછી ૧૯૫૦ના દાયકામાં એમણે ‘દીદાર’, ‘આન’, ‘કુંદન’, ‘દાગ’, ‘બસંત બહાર’ વગેરેમાં અભિનય આપ્યો હતો.
રાજ કપૂરે નામ આપ્યું હતું ‘નિમ્મી’
૧૮ ફેબ્રુઆરી, ૧૯૩૩ના રોજ નવાબ બાનુ તરીકે આગ્રામાં જન્મ્યાં હતાં. નિમ્મીનાં માતા પણ ગાયિકા અને અભિનેત્રી હતાં. તેમને ‘મધર ઈન્ડિયા’ ફેમ ફિલ્મમેકર મહેબૂબ ખાન સાથે સારો એવો પરિચય હતો. માત્ર અગિયાર વર્ષની વયે માતાને ગુમાવનારાં નિમ્મી ભાગલા વખતે થોડો સમય પાકિસ્તાનના અબોટાબાદમાં પણ રહ્યાં હતાં. ત્યાંથી તેઓ પોતાનાં નાની સાથે મુંબઈ આવી ગયાં હતાં. નિમ્મીનાં માસી જ્યોતિ પણ અભિનેત્રી હતાં અને જ્યોતિનાં પતિ જી. એમ. દુર્રાની ગાયક અને સંગીતકાર હતા.
ફિલ્મી કલાકારો સાથે માતા અને પોતાના કુટુંબનાં સંપર્કોને કારણે ટીનએજર નિમ્મીને મહેબૂબ ખાનની ખ્યાતનામ ફિલ્મ ‘અંદાઝ’ના સેટ પર જવા મળ્યું હતું. દિલીપ કુમાર-રાજ કપૂર અને નરગિસ સ્ટારર એ ફિલ્મના સેટ પર જ રાજ કપૂરની નજર નિમ્મી પર પડી હતી. નિમ્મીની બોડી લેંગ્વેજ અને સ્ક્રીનને અનુરૂપ ચહેરો જોઈને એમણે પોતાની ફિલ્મ ‘બરસાત’માં નિમ્મીને કામ આપવાનું વિચાર્યું. આ અદાકારાને રાજ કપૂરે ત્યારે ‘નિમ્મી’ નામ આપ્યું હતું.
ઈ.સ. ૧૯૫૬માં નિમ્મીએ ફિલ્મ રાઈટર એસ. અલીરઝા સાથે નિકાહ કરી લીધાં હતાં ફિલ્મ ઈન્ડસ્ટ્રીથી લગભગ દૂર થયાં હતાં. નિમ્મી અને અલીરઝાને કોઈ સંતાન નહોતું. એમણે નિમ્મીની બહેનના દીકરાને દત્તક લીધો હતો, જે અત્યારે લંડનમાં રહે છે. નિમ્મીના અવસાનથી ફિલ્મ ઈન્ડસ્ટ્રી તરફથી શ્રદ્ધાંજલિઓનો ધોધ વહ્યો હતો. ઋષિ કપૂર, મહેશ ભટ્ટ સહિત બોલિવૂડની હસ્તીઓએ તેમને શ્રદ્ધાંજલિ આપતાં સોશિયલ મીડિયા પર લખ્યું હતું કે, અલ્લાહ તમને જન્નત નસીબ કરે.