ભાજપના નેતા અને અભિનેતા શત્રુઘ્ન સિંહા અને તેમની પુત્રી સોનાક્ષી સિંહાએ વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને મહારાષ્ટ્ર સરકાર વિરોધી વલણ અપનાવ્યું છે. શત્રુઘ્ન સિંહાએ નરેન્દ્ર મોદી પર સીધા પ્રહાર કર્યા હતા. જ્યારે સોનાક્ષીએ મહારાષ્ટ્ર સરકાર દ્વારા મુંબઈમાં ચાર દિવસ માટે માંસ પર લગાવાયેલા પ્રતિબંધની ટીકા કરી છે. જોકે, સોનાક્ષીએ આ અંગે ટ્વિટર પર મંતવ્ય આપ્યા પછી તેનો વિરોધ થઇ રહ્યો છે.
અગાઉ પણ વારંવાર ભાજપ સરકારની ટીકા કરી રહેલા શત્રુઘ્ને આ વખતે વડા પ્રધાન મોદીની બિહારમાં પેકેજ આપવાની સ્ટાઈલની નિંદા કરી હતી. એક ટીવી ચેનલના કાર્યક્રમમાં તેમણે કહ્યું હતું કે, મોદી કોઈ અન્ય રીતે પણ જાહેરાત કરી શક્યા હોત. ચૂંટણીઓ આવી રહી છે એવામાં હું કાંઈ પણ બોલીશ તો ખબર નથી કેવો વિવાદ થશે પરંતુ ઘણી વખત આપણે એવું બોલી જતા હોઈએ છીએ જે આપણે હકીકતમાં ન બોલવું જોઈએ.
બીજી તરફ સોનાક્ષીએ ટ્વિટર પર જણાવ્યું હતું કે, આ એક સ્વતંત્ર દેશ છે તો સ્વાગત છે બેનિસ્તાનમાં. એટલે કે ઈન્ડિયામાં. તેણે માંસાહાર પરના પ્રતિબંધને મૂર્ખતાપૂર્ણ ગણાવ્યો હતો. બીજા ટ્વિટમાં તેણે સરકારનું ધ્યાન આસામના પૂર તરફ દોર્યું હતું અને લખ્યું હતું કે અજ્ઞાનતા અને બેદરકારી પર શા માટે પ્રતિબંધ લગાવાતો નથી? પૂરથી પ્રભાવિત આસામના લોકોનું શું થઈ રહ્યું છે?