વર્ષ ૨૦૦૮-૦૯ દરમિયાન શાહરુખ ખાન અને જૂહી ચાવલાની માલિકીની કંપની રેડ ચિલીઝ અને જૂહી ચાવલા અને તેના પતિ જય મહેતાની મોરેશિયસ સ્થિત કંપની સી આઇલેન્ડ ઇન્વેસ્ટમેન્ટ્સ વચ્ચે નાઇટ રાઇડર્સ સ્પોર્ટ્સ પ્રાઇવેટ લિમિટેડ (કેઆરએસપીએલ)ના શેરના વેચાણ સંદર્ભે કેટલાક કરાર થયા હતા. જેમાં સી આઇલેન્ડ ઇન્વેસ્ટમેન્ટ્સને વેચવામાં આવેલા શેરની કિંમત ૮-૯ ગણી ઓછી આંકવામાં આવી હોવાની એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી)ને તાજેતરમાં શંકા ઊભી થતાં આ મુદ્દે તપાસ આદરવામાં આવી છે.
ઇડીએ શેરના વેચાણમાં ગેરરીતિઓના સંદર્ભે શાહરુખ ખાનની ૧૧મી નવેમ્બરે ચાર કલાક સુધી પૂછપરછ કરી હતી. ઇડીના સૂત્રોએ આ મુદ્દે જણાવ્યું હતું કે, ફોરેન એક્સચેન્જ મેનેજમેન્ટ એક્ટ (ફેમા)ના ભંગના સંદર્ભે શાહરુખનું નિવેદન ઇડીએ રેકોર્ડ કર્યું છે અને શાહરુખે પૂછપરછમાં સહકાર આપતાં શેર ટ્રાન્સફર સાથે સંબંધિત માગવામાં આવેલાં તમામ દસ્તાવેજો પણ આપ્યા છે.