શાહરુખ ખાન કોઇ એવોર્ડ શોના મંચ પર હોય છે ત્યારે ખુબ મસ્તી કરતા જોવા મળે છે. તાજેતરમાં સંપન્ન થયેલા ‘આઈફા’ એવોર્ડ સમારંભમાં પણ દર્શકોને એવો જ અનુભવ થયો. તેમણે વિકી કૌશલ સાથે મજાક કરીને દર્શકોનું મનોરંજન કર્યું હતું. વિકીએ શાહરુખની મજાક ઉડાવવાનો પ્રયાસ કર્યો તો કિંગ ખાને તેને ‘નેપોકિડ’ કહીને બોલતી બંધ કરી દીધી. ઉલ્લેખનીય છે કે વિકીના પિતા શ્યામ કૌશલ જાણીતા એક્શન ડાયરેક્ટર છે. ‘આઈફા’ના મંચ પર શાહરુખે કહ્યું કે તેઓ ‘એવેન્જર્સ’, ‘સ્પાઈડરમેન’ અને ‘જુરાસિક પાર્ક’ જેવી ફિલ્મો રિજેક્ટ કરી ચૂક્યા છે. વિકીએ પણ શાહરુખની મજા લેતાં કહ્યું કે ફ્રાન્સીસ ફોર્ડ કોપોલાએ પણ તમને ‘ગોડ ફાધર’ ફિલ્મની ઓફર કરી જ હશે? વિકીએ કહ્યું કે કોપોલા સાહેબ પણ ‘ગોડફાધર’ ફિલ્મ લઈને સૌ પહેલાં ‘મન્નત’ જ આવ્યા હશે? જવાબમાં શાહરુખે કહ્યું કે, ‘કોપોલાએ રોલ આપવા માટે ખૂબ ચક્કર કાપ્યા હતા, પરંતુ મેં તેમને કહી દીધું કે મારે ‘ગોડફાધર’ની જરૂર નથી. હું કોઈક (વિકી તરફ ઈશારો કરીને)ની જેમ નેપોકિડ નથી.’ વિક્કીએ તે પછી શાહરુખ ખાનને તેમની કેટલીક ફ્લોપ ફિલ્મો ગણાવવાની શરૂ કરી. પૂછ્યું કે તમે ‘હેરી મેટ સેજલ’ ફિલ્મ કેમ કરી હતી? શાહરુખે કહ્યું કે તે મારી બીજી ભૂલ હતી. દરેક વ્યક્તિની ત્રણ ભૂલો માફ હોય છે. તે પછી શાહરુખે વિકી કૌશલને તેની ફ્લોપ ફિલ્મો ગણાવવાની શરૂઆત કરી હતી.