બોલિવૂડમાં કિંગ ખાન, બાદશાહ, બાઝિગરના નામે જાણીતા બનેલા શાહરુખખાને ૨૫ જૂને ફિલ્મ જગતમાં ૨૩ વર્ષ પૂર્ણ કર્યા છે. તેની પ્રથમ ફિલ્મ ‘દિવાના’ ૨૫ જૂન ૧૯૯૨ના દિને રિલીઝ થઈ હતી. આ સુપરહિટ ફિલ્મમાં શાહરુખ સાથે સ્વ. દિવ્યા ભારતી અને ઋષિ કપૂર પણ હતા. આ પછી સફળ થયા બાદ શાહરૂખે પાછળ ફરીને જોયું નથી. જ્યારે શાહરુખ મુંબઈ આવ્યો ત્યારે તેની પાસે રહેવા માટેની જગ્યા પણ નહતી. પરંતુ શાહરુખે પોતાની મહેનતથી દૂરદર્શન પર ‘ફૌજી’ અને ‘સર્કસ’ ટીવી સિરિયલ્સથી પોતાના નાના પડદે કારકિર્દી શરૂ કરી હતી, તેમાં તેને ખૂબ સફળતા મળી હતી. ત્યારબાદ તેની કારકિર્દીમાં નવો વળાંક આવ્યો અને સફળ થયો. શાહરુખે બાઝીગર, ડર, અંજામ જેવી નેગેટિવ હીરોની ભૂમિકા ભજવીને પણ લોકપ્રિયતા મેળવી હતી. અત્યારે શાહરુખ બોલિવૂડનો સૌથી લોકપ્રિય ચહેરો છે.