બોલિવૂડ અભિનેત્રી શિલ્પા શેટ્ટી અને તેના પતિ રાજ કુંદ્રાની વિરુદ્ધ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી)એ પોતાનો ગાળિયો વધારે કસ્યો છે. ઈડીએ 18 એપ્રિલે આકરું પગલું ભરતાં શિલ્પા શેટ્ટી અને રાજ કુંદ્રાની કુલ રૂ. 98 કરોડની સંપત્તિ જપ્ત કરી છે. ઈડી તરફથી આ આકરું પગલું રૂ. 6,600 કરોડના બિટકોઈન પોન્ઝી સ્કેમના સંદર્ભમાં પ્રિવેન્શન ઓફ મની લોન્ડ્રીંગ એક્ટ (પીએમએલએ) હેઠળ ભરાયું છે.
ઈડીએ જણાવ્યું હતું કે મની લોન્ડરિંગ કેસની તપાસ દરમિયાન અભિનેત્રી શિલ્પા શેટ્ટી અને તેના પતિ રાજ કુંદ્રાના પૂણેસ્થિત બંગલો, શિલ્પાની માલિકીનો મુંબઇનો ફ્લેટ અને ઈક્વિટી શેર્સ સહિત રૂ. 98 કરોડની સંપત્તિ જપ્ત કરી છે. આ કેસ બિટકોઈનના ઉપયોગ મારફત રોકાણકારોના નાણાંથી છેતરપિંડી આચરવા અંગેનો છે. ઇડી દ્વારા જ્યારે બ્લેક મની કે ફંડની અનિયમિતતાના મજબૂત કારણો હોય ત્યારે પ્રોપર્ટી એટેચ કરાય છે. આ પછી, સંબંધિત મિલકતની તપાસ કરાય છે અને કેસ કોર્ટમાં જાય છે, જ્યાં તેની કાર્યવાહી ચાલે છે. ઇડી મિલકત એટેચ કરે છે, તેનો અર્થ એ નથી કે તેનો ઉપયોગ કરી શકાતો નથી. વ્યક્તિ જે તે મિલકતનો વ્યક્તિગત કે વ્યાપારી ધોરણે ઉપયોગ તો કરી શકે છે, પરંતુ તેનું ખરીદ-વેચાણ થઇ શકતું નથી કે આવી મિલકત અન્યના નામે ટ્રાન્સફર થઇ શકતી નથી.
બિટકોઇન સ્કેમ શું હતું?
ઉલ્લેખનીય છે કે વન વેરિયેબલ ટેક પીટીઇ લિમિટેડ અને આરોપી અમિત ભારદ્વાજ, અજય ભારદ્વાજ, વિવેક ભારદ્વાજ, સિમ્પી ભારદ્વાજ, મહેન્દ્ર ભારદ્વાજ સહિત અન્ય લોકો વિરુદ્ધ મહારાષ્ટ્ર પોલીસ અને દિલ્હી પોલીસે ફરિયાદ નોંધ્યા બાદ ઈડીએ તપાસ શરૂ કરી હતી.
આરોપીઓએ 2017માં બિટકોઇનના રૂપમાં દર મહિને 10 ટકા રિટર્નનો વાયદો કરીને લોકો પાસેથી 6600 કરોડ રૂપિયા જેવી જંગી રકમ ઉઘરાવી હતી. આ એક પ્રકારની પોન્ઝી સ્કીમ હતી. રોકાણકારો સાથે ભારે છેતરપિંડી થઈ હતી.
ઇડીની તપાસમાં ખુલ્યું છે કે રાજ કુન્દ્રાને આ કૌભાંડના માસ્ટર માઇન્ડ અમિત ભારદ્વાજ પાસેથી 285 બિટકોઇન્સ મળ્યા હતા. આ બિટકોઇન્સ યુક્રેનમાં બિટકોઇન માઇનિંગમાં રોકાણ માટે મળ્યા હતા. પરંતુ આવું બન્યું નહોતું અને આ બિટકોઈન્સ હજુ પણ
કુન્દ્રા પાસે છે. જેની વર્તમાન કિંમત હાલમાં 150 કરોડ રૂપિયાથી વધુ છે.
ઉલ્લેખનીય છે કે વર્ષ 2021માં એક પોર્નોગ્રાફી કેસમાં પણ રાજ કુન્દ્રાનું નામ ખુલ્યું હતું, અને 19 જુલાઈ 2021ના રોજ તેની ધરપકડ પણ કરાઇ હતી. તેના પર એડલ્ટ ફિલ્મો બનાવવાનો અને હોટશોટ્સ નામની એપ દ્વારા તેનું વિતરણ કરવાનો આરોપ હતો. તે 63 દિવસ સુધી જેલમાં રહ્યો પરંતુ બાદમાં તેને જામીન મળી
ગયા હતા.