બેંગકોકમાં ફિલ્મ ‘ડબલ આઈસ્માર્ટ’ના શૂટિંગ દરમિયાન તલવારબાજીના એક સીન શૂટ દરમિયાન એક્ટર સંજય દત્ત ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો છે. સંજય દત્તને માથાના ભાગે ઈજા થતાં ટાંકા લેવામાં આવ્યા હોવાના અહેવાલ છે. સંજય દત્તને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવાયો હતો, જ્યાં ડોક્ટર્સની ટીમે તરત જ તેને સારવાર આપી હતી. સંજય દત્તને એક સીનના શૂટિંગ દરમિયાન તલવારથી લડતા માથા પર વાગ્યું હતું. ઘાયલ થયા બાદ તેને ત્યાંથી તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે સંજયને એપ્રિલમાં કન્નડ ફિલ્મ ‘કેડી’ના શૂટિંગ દરમિયાન પણ ઈજા થઈ હતી. સારવાર બાદ તેણે ત્યાં પણ શૂટિંગ કરવાનું ચાલુ રાખ્યું હતું. સંજય દત્ત છેલ્લા કેટલાક સમયથી એક અથવા બીજી મુશ્કેલીમાં ફસાઈ રહ્યો છે. ચાર મહિનામાં તેને બે ઈજા થઈ છે. ત્રણ વર્ષ પહેલાં તેને કેન્સર જેવો જીવલેણ રોગ થયો હતો. જોકે તેણે આ યુદ્ધમાં મૃત્યુ સામે જીત મેળવી હતી. 8 ઓગસ્ટ 2020ના રોજ તેને શ્વાસ લેવામાં તકલીફ થતાં મુંબઈની લીલાવતી હોસ્પિટલમાં દાખલ કરાયો હતો, જ્યાં તેના પર કેટલાક પરીક્ષણો કરવામાં આવ્યા હતા. ત્રણ દિવસ પછી તેને ફેફસાંના કેન્સરનું નિદાન થયું હતું. જોકે, તેણે સારવાર બાદ આ ગંભીર રોગને માત આપી હતી.