મુંબઇઃ બોલિવૂડની કરિયરની શરૂઆતમાં શ્રીદેવીની કમલ હસન સાથે આવેલી ફિલ્મ ‘સદમા’નું છેલ્લું દૃશ્ય તો બધાને યાદ હશે જ. કારણવશાત્ યાદદાસ્ત ગુમાવી બેઠેલી અને નાના બાળક જેવું વર્તન કરતી શ્રીદેવીને કમલ હસન જીવની જેમ સાચવે છે. એટલું જ નહીં, એકતરફી પ્રેમ પણ કરવા લાગે છે. પરંતુ જ્યારે એની યાદદાસ્ત પાછી ફરે છે ત્યારે એ કમલ હાસનને યાદ પણ કરતી નથી અને એને ઓળખતી ન હોય એવો વ્યવહાર કરે છે. આ વાતનો એવો સદમા (આઘાત) લાગે છે કે કમલ ગાંડા જેવો થઈ જાય છે. આવો જ સદમા આઘાત દુબઈ ગયેલી શ્રીદેવીએ એના ચાહકોને આપ્યો. સોળે શણગાર સજી લગ્નમાં મહાલવા ગયેલાં શ્રીદેવીને અચાનક કાર્ડિયાક એરેસ્ટનો હુમલો આવ્યો અને આ ફાની દુનિયા છોડી જતાં રહ્યાં.
૧૩ ઓગસ્ટ ૧૯૬૩ના તામિલનાડુમાં જન્મેલાં શ્રીદેવીનું અસલી નામ હતું શ્રીઅમ્મા યંગર અય્યપન. ચાર વરસની ઉંમરે તમિલ ફિલ્મમાં ભગવાન મુરુગનની ભૂમિકા ભજનાર અભિનેત્રી પર ઇશ્વરની એવી કૃપા વરસી કે એને માત્ર સાઉથની જ નહીં પણ બોલિવૂડની સુપરસ્ટાર બનાવી દીધી. ૧૯૭૮માં હીરોઈન તરીકે એની પહેલી ફિલ્મ સોલવા સાવન આવી એ અગાઉ ૧૯૭૫માં સાઉથની જ સ્ટાર લક્ષ્મીને ચમકાવતી બોલિવૂડની સુપરહિટ ફિલ્મ જૂલીમાં તેણે લક્ષ્મીની બહેનની ભૂમિકા ભજવી હતી. જોકે શરૂઆતની ફિલ્મોમાં દર્શકોનું ધ્યાન ખેંચી ન શકનાર શ્રીદેવીની જિતેન્દ્ર સાથેની હિંમતવાલા ફિલ્મે તેને બોલિવૂડની ટોચની અભિનેત્રી બનાવી દીધી. આ બંને કલાકારોએ ત્યાર બાદ મવાલી, મકસદ, જસ્ટિસ ચૌધરી જેવી હિટ ફિલ્મો આપી.
શરૂઆતના દિવસોમાં હિન્દી ફિલ્મો માટે મુંબઇ આવતી શ્રીદેવી મોટા ભાગે બાન્દ્રાના બેન્ડસ્ટેન્ડ ખાતે આવેલી સી રોક હોટેલમાં જ ઉતરતી. કમલ હસન સાથેની સદમાનો એનો અભિનય હંમેશ યાદ રહેશે, પરંતુ ચાલબાઝ, ખુદાગવાહ, લમ્હે અને ગુરુદેવ ફિલ્મની એની બેવડી ભૂમિકામાં જોવા મળેલો વૈવિધ્યસભર અભિનય કમાલનો હતો. આ ફિલ્મોએ શ્રીદેવીની અભિનયની રેન્જ કેટલી વિશાળ હતી એ પુરવાર કર્યું હતું.
જિતેન્દ્ર સાથેની હિંમતવાલાએ ભલે એને જાણીતી બનાવી હોય પરંતુ શ્રીદેવીને સ્ટારડમ અપાવ્યું હોય તો બોની કપૂરની ફિલ્મ મિસ્ટર ઈન્ડિયાએ. આ ફિલ્મનું ‘હવા હવાઈ...’ ગીત શ્રીદેવીના નૃત્ય અને એક્સ્પ્રેસનને કારણે યાદગાર બની ગયું. મિસ્ટર ઇન્ડિયા ફિલ્મના શૂટિંગ દરમિયાન જ બોની કપૂર અને શ્રીદેવી નજદીક આવ્યા હતા એ ઉલ્લેખનીય છે.
અને બોનીએ રૂ. ૧૧ લાખ આપ્યા
બોની કપૂર અગાઉ શ્રીદેવી અને મિથુન ચક્રવર્તીનું અફેર ત્રણ વરસ ચાલ્યું હતું. મિથુનથી છૂટી પડેલી શ્રીદેવી અને બોની કપૂરની પહેલી મુલાકાત ૧૯૮૪માં થઈ હતી. બોની કપૂર મિસ્ટર ઇન્ડિયા બનાવવાની યોજના બનાવી રહ્યા હતા ત્યારે અનિલ કપૂરે શ્રીદેવીની ઓળખાણ મોટા ભાઈ બોની સાથે કરાવી. કહેવાય છે કે બોની એનાથી આઠ વરસ નાની હીરોઇનને જોતાંવેંત પ્રેમમાં પડયા. બોનીને મિસ્ટર ઇન્ડિયાની હીરોઇન તો મળી ગઈ પણ તે કોઈ પણ કિંમતે શ્રીદેવીને પામવા માંગતા હતા. શ્રીદેવી માટે બોની એટલા બેબાકળા બન્યા હતા કે શ્રીદેવીની માતાએ મિસ્ટર ઈન્ડિયા માટે દસ લાખ રૂપિયા ફી માંગી તો બોનીએ ૧૧ લાખ રૂપિયા આપ્યા. બોની કપૂર શ્રીદેવી પર એટલા ઓળઘોળ હતા કે તેમની પત્ની મોનાને છૂટાછેડા આપવા પણ તૈયાર થઈ ગયા.
મોના સાથે છૂટાછેડા લીધા બાદ બોની અને શ્રીદેવીએ લગ્ન કર્યાં. તેમને બે પુત્રીઓ જ્હાનવી અને ખુશીમાંથી મોટી દીકરી જ્હાનવી ‘ધડક’ ફિલ્મથી બોલિવૂડમાં એન્ટ્રી કરી રહી છે. બોની સાથે લગ્ન કર્યા બાદ શ્રીદેવીએ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાંથી બ્રેક લીધો હતો. ત્યાર બાદ ૨૦૧૨માં આવેલી ફિલ્મ ઇંગ્લિશ વિંગ્લિશથી ફિલ્મોમાં પાછી આવેલી શ્રીદેવીની છેલ્લી ફિલ્મ મોમ ૭ જુલાઇ ૨૦૧૭માં રિલીઝ થઈ હતી.
હીટ ફિલ્મોની વણઝાર
૧૯૮૩માં મવાલી, ૧૯૮૪માં તોહફા, ૧૯૮૭માં મિસ્ટર ઇન્ડિયા, ૧૯૮૯માં ચાંદની, ૧૯૮૩માં સદમા, ૧૯૮૯માં ચાલબાજ, ૧૯૯૧માં લમ્હે, ૧૯૯૩માં ગુમરાહ, ખુદાગવાહ તેમની હિટ ફિલ્મો હતી. ૨૦૧૨માં ઇંગ્લિશ વિંગ્લિશથી તેમણે કમબેક કર્યું હતું આ પછી મોમ ફિલ્મમાં તેમનો અભિનય વખાણાયો હતો.
૨૦૧૩માં પદ્મશ્રી સન્માન
શ્રીદેવીને એની કરિયર દરમિયાન સાતેક જેટલા ફિલ્મ ફેર એવોર્ડ મળ્યા હતા. જેમાં તમિળ ફિલ્મ ઉપરાંત હિન્દી ફિલ્મોમાં ચાલબાઝ, લમ્હેં, નગીના, મિસ્ટર ઇન્ડિયા ઉપરાંત ગ્લેમર એન્ડ સ્ટાઇલ અલ્ટિમેટ દીવા એવોર્ડ મેળવી ચૂક્યાં છે. આ ઉપરાંત એની ઇંગ્લિશ વિંગ્લિશ ફિલ્મને સ્ટારડસ્ટ, ઝી સિને એવોર્ડ, સ્ટાર ગિલ્ડ, આઇફા, બિગ સ્ટાર એવોર્ડ મળ્યા હતા. ફિલ્મઉદ્યોગમાં પ્રશંસનીય પ્રદાન બદલ ભારત સરકારે ૨૦૧૩માં તેમને પદ્મશ્રીથી સન્માનિત કર્યા હતા.
શ્રીદેવીની છેલ્લી ફિલ્મ ‘ઝીરો’
સુપરસ્ટાર અભિનેત્રી શ્રીદેવીના અચાનક નિધનથી ભારતીય ફિલ્મ ઈન્ડસ્ટ્રી આઘાતમાં છે. સોશિયલ મીડિયા પર સેલિબ્રિટીઝ અને ફેન્સ શ્રીદેવીને શ્રદ્ધાંજલિ અર્પી રહ્યા છે. જોકે ફેન્સ તેને છેલ્લી વાર શાહરુખ ખાનની આગામી ફિલ્મ ‘ઝીરો’માં જોઈ શકશે. માહિતી પ્રમાણે શાહરુખની આવનારી ફિલ્મમાં શ્રીદેવી મહેમાન ભૂમિકામાં ચમકે છે. રિપોર્ટ પ્રમાણે આ ફિલ્મમાં તે એક કેમિયો રોલમાં જોવા મળશે અને ફિલ્મમાં તે પોતાનું જ પાત્ર નિભાવતાં જોવા મળશે.