મુંબઈઃ હિન્દી ફિલ્મઉદ્યોગના ટોચના નિર્માતા-દિગ્દર્શક રામ ગોપાલ વર્માએ શ્રીદેવીના નિધન પછી એક લાગણીસભર પત્ર લખ્યો હતો. આ પત્રમાં તેમણે શ્રીદેવીની લોકપ્રિયતા અને સૌંદર્ય વિશે લખ્યું હતું. આ પછી ફરી એક વખત રામુએ શ્રીદેવીના ચાહકોના નામે એક પત્ર લખ્યો છે, જેમાં તેમણે શ્રીદેવીના જીવનના અજાણ્યા પાસા ઉપર પ્રકાશ પાડયો છે. રામુએ લખેલા પત્રના અંશોઃ
‘બીજા કરોડો ચાહકોની જેમ હું પણ માનું છું કે શ્રીદેવી બેહદ સુંદર સ્ત્રી હોવાની સાથે બહુ જ મોટી સુપરસ્ટાર હતી, પણ તેની આ સફળતા પાછળના સંઘર્ષ વિશે બહુ ઓછા ચાહકો જાણે છે. તેનું મૃત્યુ જેટલું રહસ્યમય છે એટલું જ રહસ્યમય તેનું જીવન પણ છે. આજે બધા લોકો કહે છે કે તેનું જીવન ખુશહાલ હતું. તે ખૂબ સફળ હતી અને તેનું જીવન ખૂબ એશોઆરામમાં વીત્યું છે, પણ સેલિબ્રિટીની પર્સનલ લાઈફ અને વાસ્તવિક જિંદગી વચ્ચે કેવો અને કેટલો તફાવત હોઈ શકે તેનું ઉત્તમ ઉદાહરણ શ્રીદેવીના કિસ્સામાંથી જાણવા મળે છે...’
શ્રીદેવી સાથે બે ફિલ્મો કરનારા રામ ગોપાલ વર્માએ પછી આ પત્રમાં શ્રીદેવીનાં અજાણ્યાં પાસાં વિશે લખ્યું છે: ‘શ્રીદેવી તેના પિતાના નિધન સુધી આકાશમાં ઉડતાં પંખી જેવી હતી, એ પછી તેના જીવનમાં અચાનક નાટયાત્મક પરિવર્તનો આવ્યા. તેની માતાનો તેના ઉપર એટલો ચોકીપહેરો રહેતો કે તે પાંજરામાં પૂરાયેલા એક પંખી જેવી બની ગઈ હતી.
એક સમયે ફિલ્મ કલાકારોને મોટા ભાગે કાળા નાણાંમાં જ ફી મળતી. કલાકારો માટે ટેક્સથી બચ્યા વગર છુટકો ન રહેતો એટલે તેના પિતાએ વિશ્વાસુ મિત્રો અને સગા-સંબંધીઓને પૈસા આપી રાખ્યા હતા. શ્રીદેવીના પિતાનું નિધન થયું પછી સગા-સંબંધીઓએ વિશ્વાસઘાત કર્યો. પૈસા પાછા આપવાનો ઈનકાર કરી દીધો. વળી, તેની માતાના હાથમાં આર્થિક વહીવટ આવ્યો ત્યારે તેણે એવી જગ્યાએ નાણાંકીય રોકાણો કર્યા કે તેમાંય મોટો આર્થિક ફટકો પડયો. શ્રીદેવી ચોમેરથી આર્થિક સંકડામણમાં ઘેરાઈ ચૂકી હતી. એક તરફ સફળતાના શિખરે બિરાજતી હતી, પણ બીજી તરફ તેની આર્થિક સ્થિતિ કફોડી થઈ ગઈ હતી...
અધૂરામાં પૂરું, તેની માતાના મગજનું ઓપરેશન થયું ત્યારે સર્જરીમાં ગરબડ થઈ અને તેની માનસિક હાલત વધુ ખરાબ થઈ ગઈ. એ જ અરસામાં શ્રીદેવીની બહેન શ્રીલતાએ પાડોશીના પુત્ર સાથે ભાગીને લગ્ન કર્યા. શ્રીદેવી સાવ એકલી પડી ગઈ હતી. તે જ સમયગાળામાં બોની કપૂરનો તેના જીવનમાં પ્રવેશ થયો. જોકે બોની કપૂર પણ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ફિલ્મમેકર ઉપર ગમેત્યારે આવી પડે તેવી આર્થિક સંકડામણ અનુભવતા હતા, છતાં તેણે શ્રીદેવીને બનતી મદદ કરી.
તેની માતાએ નિધન પહેલાં બધી જ સંપત્તિ શ્રીદેવીના નામે કરી નાખી હતી એટલે શ્રીદેવીની બહેન શ્રીલતાએ કેસ કર્યો. શ્રીદેવી આ બધી સમસ્યાનો એકલા હાથે સામનો કરી રહી હતી ત્યારે બોની કપૂરે તેને સાથ આપ્યો. બંને પ્રેમમાં પડયા. પણ બોનીના પરિવારમાં શ્રીદેવીનો સ્વીકાર ન થયો. બોનીના માતાએ શ્રીદેવીને બોની અને તેની પ્રથમ પત્ની મોનાનું ઘર ભાંગવા માટે જવાબદાર ગણાવી અને જાહેરમાં તેના ઉપર હાથ ઉપાડયો. આ બધા જ સમયગાળા દરમિયાન શ્રીદેવી સાવ એકલીઅટૂલી અને દુઃખી હતી. દુનિયાભરમાં તેના લાખો ચાહકો હતા, પણ અંદરથી તે ભાંગી પડી હતી...’
બાળકલાકારથી સફળ અભિનેત્રી થવા સુધીની સુદીર્ઘ કારકિર્દી માટે શ્રીદેવીએ કેવી કિંમત ચૂકવવી પડી છે તે વિશે રામુ લખે છે: ‘૪ વર્ષની વયે શ્રીદેવીએ અભિનય શરૂ કર્યો હતો. કલાકાર તરીકે જાતને કેળવવા પાછળ તેનું બાળપણ ખર્ચાઈ ગયું હતું. તે જેમ જેમ મોટી થતી ગઈ તેમ તેમ તેના ઉપર સફળ થવાનું માનસિક દબાણ વધતું જતું હતું. એટલે જ તેણે તેની આસપાસ એક દિવાલ બનાવી રાખી હતી અને જીવનમાં સ્વતંત્રતાનો જે અનુભવ થવો જોઈએ એવો તે ક્યારેય કરી શકી ન હતી...
...શ્રીદેવી એક એવી સ્ત્રી હતી, જે જીવનભર તેના માતા-પિતા, તેના સગા-સંબંધીઓ, તેના પતિ અને પછી સંતાનોની જરૂરિયાત પ્રમાણે જીવી હતી. છેલ્લે તેને હંમેશા એવો ડર રહેતો હતો કે બીજા બધા સ્ટાર્સ સંતાનોને બોલિવૂડમાં જેવો આવકાર મળે છે એવો તેની દીકરીઓને મળશે કે નહીં..?’
શ્રીદેવી માટે બે ફિલ્મો કરનારા દિગ્દર્શક રામ ગોપાલ વર્મા આ પછી ખૂબ લાગણીસભર શબ્દોમાં - શ્રીદેવીના આત્માની શાંતિ માટે પ્રાર્થના કરતા - પત્રના અંતે લખે છે: ‘સામાન્ય રીતે હું કોઈ પણ વ્યક્તિના મૃત્યુ પછી રેસ્ટ ઈન પીસ કહેતો નથી, પણ શ્રીદેવીના કિસ્સામાં હું રેસ્ટ ઈન પીસ કહીશ. કારણ કે હું એમ માનું છું કે શ્રીદેવીને જીવનમાં પહેલી વખત ખરા અર્થમાં મૃત્યુ પછી શાંતિ મળશે. કારણ કે હું જ્યાં સુધી શ્રીદેવીને ઓળખું છું, તેના જીવનમાં ‘એક્શન’ અને ‘કટ’ એમ બે શબ્દોની વચ્ચે જ થોડી વાર શાંતિ આવતી હતી. એ સમયગાળામાં તે વાસ્તવિકતાને બદલે કલ્પનાના જગતમાં રહેતી અને એ થોડી પળોમાં તે શાંતિ અનુભવી શકતી હતી...’