વર્ષ ૨૦૦૮માં ‘સ્ટાર વોઇસ ઓફ ઇન્ડિયા-છોટે ઉસ્તાદ’ની વિજેતા ગાયિકા ઐશ્વર્યા મજમુદારનું મન દુબઈ રહેતા બિઝનેસમેન મુલ્કરાજ ગઢવી સાથે જોડાયું છે. બંને ટૂંક સમયમાં સગાઈ કરશે તેવા અહેવાલ છે. ઐશ્વર્યાએ તાજતરમાં પોતે જ સોશિયલ મીડિયા પર તેના ફેન્સને જણાવ્યું છે કે તે અને મુલ્કરાજ દિલથી જોડાયેલાં છે. આ રિલેશનશિપને બે વર્ષ થઈ ચૂક્યાં છે. આ રિલેશનશિપની શરૂઆત સંગીતની સફરથી જ થઈ હતી. પોતાના સંબંધ વિશે વાત કરતા ઐશ્વર્યાએ કહ્યું કે, મુલ્કરાજે તેનાં માતા-પિતા માટે એક ગીત લખ્યું હતું અને તે એક સારા સ્વરની શોધમાં હતો. મુલ્કરાજને હતું કે એ અવાજ મળશે ત્યારે તે ગીત તેની પાસે ગવડાવશે. ઐશ્વર્યા જણાવે છે કે આ દરમિયાન ઇન્ટરનેટ પર મારું ‘મોગલ’ સોંગ તેમણે સાંભળ્યું. તેમને લાગ્યું કે હું બંગાળી સિંગર છું અને સપ્તકમાં મારા ક્લિસકલ પરફોર્મન્સ બાદ તેમણે માની જ લીધું હતું કે હું બંગાળી જ હોઈશ પણ ગુજરાતમાં રહી છું તે માટે મારું ગુજરાતી સારું છે. જો કે પછીથી કોમન ફ્રેન્ડે તેની ગેરસમજ દૂર કરી. ઐશ્વર્યાએ જણાવ્યું કે, સોશિયલ મીડિયાથી અમે વધુ નજીક આવ્યા. હું અમેરિકાના ટૂર પર હતી. ગીત - સંગીતથી લઈને ઊર્દૂ પોએટ્રી સહિતની અમારી પસંદ અને નાપસંદ વિશે અમે સોશિયલ મીડિયાથી વાત કરતા હતા. ૨૦ દિવસની વાતો બાદ મુલ્કરાજે મને ડેટ પર જવા પ્રપોઝ કર્યું. તે દરમિયાન હું તેમને ઇન્ડિયામાં પાછી મળી. એ પછી અમે આ સંબંધને ગંભીરતાથી આગળ લઈ જવા વિચાર્યું. ટૂંક સમયમાં જ અમે સગાઈના બંધને બંધાવા પ્લાનિંગ કરીએ છીએ.