મુંબઇ: સંગીતકાર સાજિદ - વાજિદ ખાનની જોડીમાંથી વાજિદ ખાન (ઉં ૪૨)નું પહેલી જૂને નિધન થયું હતું. તેઓ મુંબઇમાં ચેમ્બુરની હોસ્પિટલમાં દાખલ હતા. તેઓને લાંબા સમયથી કિડનીની સમસ્યાઓ હતી અને તેઓનો કોવિડ ટેસ્ટ પણ પોઝિટિવ આવ્યો હતો. તબીબોએ જણાવ્યું કે તેઓનું નિધન હાર્ટ એટેકથી થયું હતું. હસમુખ સ્વભાવના વાજિદ અંત સમયમાં પણ મોતને દબંગાઇ બતાવી રહ્યા હતા. તેઓની અંતિમ પળોનો વીડિયો પણ સામે આવ્યો છે. જેમાં તેઓ હોસ્પિટલના બિછાને ‘દબંગ’નું ગીત ગાતા દેખાય છે અને ભાઇ સાજિદ પર પ્રેમ વરસાવી રહ્યા છે. સાજિદ-વાજિદની જોડીએ બોલિવૂડમાં કરિયરની શરૂઆત ૧૯૯૮માં રિલીઝ થયેલી સલમાનની ફિલ્મ ‘પ્યાર કિયા તો ડરના ક્યા’થી કરી હતી. ત્યાર બાદ આ જોડીએ ‘હેલો બ્રધર’થી ‘દબંગ – ૩’ સહિતની સલમાનની ઘણી ફિલ્મમોમાં સંગીત આપ્યું હતું. વાજિદ કરિયરનું અંતિમ ગીત ‘ભાઇ ભાઇ’ પણ સલમાન માટે જ કમ્પોઝ કર્યું હતું. જે તાજેતરમાં રિલીઝ થયું હતું.