ગયા વર્ષના અંતમાં આંતરિક સમજૂતીથી છૂટાછેડા લેવાની વાટાઘાટો પડી ભાંગ્યા બાદ બિઝનેસમેન સંજય કપૂર અને અભિનેત્રી કરિશ્મા કપૂર બાંદ્રાની ફેમિલી કોર્ટમાં એકબીજા સામે જંગે ચડયા છે. બીજી ફેબ્રુઆરીએ આ કેસની પહેલી સુનાવણી હતી. સંજય અને કરિશ્માના વકીલોની સામસામી દલીલોથી કોર્ટમાં વાતાવરણ સહેજ ઉગ્ર બની ગયું હતું. જજ આઈ જે નંદાની અદાલતમાં બન્ને પક્ષોએ એકબીજા પર આક્ષેપો અને પ્રતિઆક્ષેપો કર્યા હતા. બન્નેના બાળકોની સોંપણી પોતાને કરવા માટે સંજય કપૂરે કરેલી વચગાળાની કસ્ટડીની અરજીનો કરિશ્મા કપૂરે વિરોધ કર્યો હતો.
ગયા વર્ષના ડિસેમ્બર મહિનામાં કરિશ્મા કપૂરના પતિએ અદાલતમાં બે જુદી જુદી અરજીઓ કરી હતી. એક અરજી છૂટાછેડા માટેની હતી તો બીજી અરજી એમના બાળકોની વચગાળાની કસ્ટડી માટે છે. મંગળવારે જે દલીલો કરાઈ હતી. એમાં મુખ્ય દલીલ એ હતી કે કરિશ્માના વકીલે છૂટાછેડાની અરજી માટે કોઈ જવાબ અદાલતમાં નથી નોંધાવ્યો. અદાલતે કરિશ્માના વકીલોની ટીમને આ અંગે શક્ય હોય એટલું જલ્દી ઘટતું કરવાનો આદેશ આપ્યો છે. બાળકોની સોંપણીનો સવાલ છે ત્યાં સુધી કરિશ્માએ આ બાબત અંગે વિરોધ નોંધાવ્યો છે.