સુરત: વનિતા વિશ્રામ ગ્રાઉન્ડમાં ૨૮મીએ ‘એક શામ ભારત કે વીર જવાનો કે નામ’ કાર્યક્રમમાં બોલિવૂડ સ્ટાર અક્ષયકુમાર ઉપસ્થિત રહ્યા હતા. વીર સૈનિકો માટે તન મન ધનથી યથાયોગ્ય યોગદાન આપતા આવેલા બોલિવૂડના પ્રસિદ્ધ અભિનેતા અક્ષયકુમારે હજારોની મેદનીને જણાવ્યું હતું કે, તાજેતરમાં દેશની સરહદનો અને દેશનો માહોલ જબરદસ્ત હતો. આપણે નોર્મલ જિંદગી જીવી રહ્યા હતા ત્યારે સરહદ પર એક માણસ યુનિફોર્મ પહેરીને ઉભો હતો. જે દેશની સુરક્ષા માટે ઉભો હતો કે જેથી આપણે સુરક્ષા સાથે મીઠી નીંદર માણી શકીએ. હવે દેશમાં જ્યારે વાતાવરણ તંગ હોય છે ત્યારે અને દેશના ૪૦ જવાનો શહીદી વહોરી ચૂક્યા છે ત્યારે આપણી ફરજ છે કે દેશના જવાનો અને તેમના પરિવારોને આપણાથી શક્ય સહાય કરીએ. તેમને સાથ આપીએ. આ કાર્યક્રમમાં અક્ષયકુમાર સાથે ગુજરાતના મુખ્ય પ્રધાન વિજયભાઈ રૂપાણી પણ હાજર રહ્યા હતા અને તેમણે પણ દેશ માટે જરૂરી તમામ પ્રકારના પગલાં કેન્દ્ર સરકાર લઈ રહી હોવાની વાત કરી હતી. રાજ્ય તરફથી જવાનો માટે લાખો રૂપિયા અને શક્ય સહાય અંગેનો ઉલ્લેખ તેમણે કર્યો હતો.
ગુજરાત સાથે સીધું કનેકશન
અભિનેતા અક્ષયુકમારે કહ્યું હતું કે, ગુજરાત સાથે મારું સીધું કનેકશન છે. મારા સાસુ ડિમ્પલ કાપડિયા અને પત્ની ટ્વિંકલ બંને ગુજરાતીઓ છે. ગુજરાત સાથે મારું બીજું કનેકશન પણ યાદગાર છે. મારી પ્રથમ ફિલ્મ ‘સોગંધ’ દેશભરમાં નિષ્ફળ ગઈ હતી, પરંતુ ગુજરાતની ટેરેટરીમાં આ ફિલ્મ હિટ ગઈ હતી. એ રીતે ૧૯૯૦થી ગુજરાતથી મને પ્રેમ મળી રહ્યો છે. જેનો હું આભારી છું.