વર્ષો જૂના આર્મ્સ કેસમાં જોધપુરની કોર્ટે બોલિવૂડના અભિનેતા સલમાન ખાનને ૧૮મી જાન્યુઆરીએ મુક્ત કરી દીધો છે. ૧૮મીએ સલમાન પોતાની બહેન અલવીરા સાથે કોર્ટ પહોંચ્યો હતો. એ પછી થોડી જ મિનિટમાં કોર્ટનો નિર્ણય આવી ગયો હતો અને સલમાનને મુક્ત જાહેર કરાયો હતો. આ પહેલાં જજે સલમાનના વકીલને અડધો કલાકમાં પોતાના અસીલને કોર્ટમાં રજૂ થવાનો આદેશ જોકે આપ્યો હતો. આ કેસ સાથે જોડાયેલા બંને પક્ષની દલીલો નવમીએ સાંભળવામાં આવી હતી. એ પછી જજ દલપત સિંહ રાજપુરોહિતે સલમાનને ૧૮મી જાન્યુઆરીએ કોર્ટમાં હાજર રહેવાના આદેશ સાથે પોતાનો નિર્ણય જાહેર કરવાની જાહેરાત કરી હતી. વર્ષ ૨૦૦૮માં ફિલ્મ ‘હમ સાથ સાથ હૈ’ના શૂટિંગ દરમિયાન સલમાને ફિલ્મના કેટલાક સહકલાકારો સાથે મળીને ગેરકાયદેસર હથિયારોથી હરણનો શિકાર કર્યાનો આરોપ તેના પર હતો. આ ઘટનામાં સલમાન વિરુદ્ધ ચાર કેસ નોંધાયા હતા. એક કેસમાં કાંકાણી વન વિસ્તારમાં શિકારમાં બિનકાયદેસર હથિયારનો ઉપયોગનો પણ હતો. જેના પર આર્મ્સ એક્ટ હેઠળ કેસ ચાલી રહ્યો હતો. સલમાન પર આરોપ હતો કે આ દરમિયાન તેની પાસે જે હથિયાર હતા તેનું લાઈસન્સ એક્સપાયર થઈ ચૂક્યું હતું.
સલમાન વિરુદ્ધ પાંચ કેસ
- સલમાન ખાન આર્મ્સ એક્ટ મામલે મુક્ત થયો છે, પણ ઉલ્લેખનીય છે કે તેના વિરુદ્ધ જોધપુરમાં હરણના શિકાર સાથે જોડાયેલા ૪ કેસ નોંધાયા હતા. આ ઉપરાંત તેના વિરુદ્ધ મુંબઈમાં હિટ એન્ડ રન કેસ પણ ભૂતકાળમાં હતો. આ કેસ હાલમાં સુપ્રીમ કોર્ટમાં છે. આ દરેક કેસનું સ્ટેટસ અહીં દર્શાવાયું છે.
- ફિલ્મ ‘હમ સાથ સાથ હૈ’ના શૂટિંગ દરમિયાન સલમાન પર 3 જુદા જુદા સ્થાને હરણનો શિકાર કરવાનો આરોપ છે.
- ઘોડા ફાર્મહાઉસ, ભવાદ ગામ અને કાંકાણીમાં શિકાર બાબતે ત્રણ કેસ સલમાન પર ચાલે છે.
- ચોથો કેસ શિકાર બાબતે હથિયારને લઈને આર્મ્સ એક્ટ હેઠળ નોંધાયો હતો. આ મામલે સલમાનને નિર્દોષ જાહેર કરાયો છે. આરોપ છે કે સલમાન ખાને તે સમયે વાપરેલી પિસ્ટલ અને રાઈફલના લાઈસન્સ એક્સપાયર થઈ ચુક્યા હતા. તેમને તેને રિન્યૂ નહોતા કરાવ્યા.
- ભવાદ ગામમાં ૨૭મી સપ્ટેમ્બર ૧૯૯૮ની રાત્રે એક હરણના શિકારનો આરોપ સલમાન પર લાગ્યો. સીજેએમ કોર્ટે ૧૭મી ફેબ્રુઆરી ૨૦૦૬ના રોજ સલમાનને દોષી ઠેરવતાં એક વર્ષની સજા સંભળાવી. ગયા વર્ષે હાઈ કોર્ટે આ મામલે સલમાનને મુક્ત કર્યો. હાઈકોર્ટના નિર્ણય વિરુદ્ધ રાજ્ય સરકારે સુપ્રીમ કોર્ટમાં આ કેસ માટે અરજી કરી હતી. આ મામલે કોર્ટે સલમાનને નોટિસ આપીને તેનો જવાબ માગ્યો છે.
- ઘોડા ફાર્મ હાઉસ (ઓસિયા ક્ષેત્ર)માં ૨૮મી સપ્ટેમ્બર ૧૯૯૮ની રાત્રે બે હરણનો શિકાર કરવાના આરોપ સલમાન પર લાગ્યો. આ મામલે સીજેએમ કોર્ટે ૧૦ એપ્રિલ ૨૦૦૬ના રોજ તેમને દોષી સાબિત કરતાં પાંચ વર્ષની સજા સંભળાવી હતી. આ મામલે સજા વિરુદ્ધ સલમાને રાજસ્થાન હાઈ કોર્ટમાં અપીલ કરી હતી. ગયા વર્ષે હાઈ કોર્ટે આ કેસમાં પણ તેને મુક્ત કર્યો હતો.
- હાઈ કોર્ટના આ નિર્ણયને રાજ્ય સરકારે સુપ્રીમ કોર્ટમાં પડકાર આપ્યો. સુપ્રીમ કોર્ટે હાલમાં આ મામલે સલમાનને નોટિસ આપીને જવાબ માગ્યો છે.
- પહેલી ઓક્ટોબર ૧૯૯૮ની રાત્રે સલમાન પર કાંકાણીમાં બે કાળા હરણનો શિકારનો આરોપ લાગ્યો.
- ગોળીનો અવાજ સાંભળીને ગામના લોકો ઘટના સ્થળે પહોંચી ગયા. આ કારણે ત્યાંથી સલમાન પોતાની જિપ્સીમાં સૈફ અલી, સોનાલી બેન્દ્રે, નીલમ અને તબ્બુ સાથે ભાગી નીકળ્યો.
- ગ્રામીણોએ બે કાળા હરણને જોયાં ત્યારે બંનેનું ગોળી વાગવાથી મોતં થયું હતું.
- સલમાન પર હરણોને ગોળી મારવાનો અને સૈફ સહિત ત્રણ એક્ટ્રેસ પર તેમને પ્રોત્સાહન આપવાનો આરોપ છે. આ મામલે ૨૫મી જાન્યુઆરીએ બધા આરોપીઓના નિવેદન સંભળાવવામાં આવશે.