જોધપુરઃ સલમાન ખાન ભલે હિન્દી ફિલ્મઉદ્યોગનો હીરો હોય, પણ પાંચ એપ્રિલના રોજ રિયલ લાઇફ હીરો હતા જજ દેવ કુમાર ખત્રી. સલમાનની સાથે આરોપીના કઠેડામાં સૈફ અલી ખાન, તબ્બુ અને નીલમ પણ ઊભા હતા. જજ ખત્રીએ સૈફ, સોનાલી બેન્દ્રે, તબ્બુ અને નીલમે કાળિયારને ઠાર નથી કર્યા તેમ સ્વીકારીને તેઓને દોષમુક્ત જાહેર કર્યા હતા. આ પછી સલમાનને દોષિત જાહેર કર્યો હતો. આ સમયે સલમાનના વકીલે જજ સમક્ષ દલીલ કરી હતી કે આ સાથી કલાકારોની જેમ સલમાને પણ કાળિયારને ઠાર કર્યા હોય તેવા કોઇ પુરાવા નથી. તેને પણ દોષમુક્ત જાહેર કરવો જોઇએ.
આ દલીલની સામે ચીફ જ્યુડિશ્યલ મેજિસ્ટ્રેટ ખત્રીએ કડક શબ્દોમાં ટીપ્પણી કરી હતી કે સલમાન ખાનનો રેકોર્ડ જોતા જ જણાશે કે તે ગુનો કરવાની આદત ધરાવતી વ્યક્તિ છે (હી ઈઝ હેબીચ્યુલ ઓફેન્ડર). તેને તો સખ્ત સજા થવી જ જોઇએ. આ પછી જજ ખત્રીએ કહ્યું હતું કે સલમાન ખાનને હિટ એન્ડ રન કેસમાં પણ એક તબક્કે પાંચ વર્ષની સજા થઇ હતી.
સલમાન દોષિત જાહેર થયો તે પછી તેની સજા ઓછી થાય તે માટે જોરદાર દલીલો ચાલી હતી. આ વખતે પણ જજ કાયદાની કલમો અને સજાના મુદ્દાને વળગી રહ્યા હતા. આવા ગુનામાં વધુમાં વધુ છ વર્ષની સજા થાય છે. મોટા ભાગના નાગરિકોને ધારણા હતી કે સલમાનને બે કે ત્રણ વર્ષની સજા જાહેર કરાશે પણ જજ સાહેબે પાંચ વર્ષની સજા જાહેર કરતા સોંપો પડી ગયો હતો.