નવી મુંબઈ પોલીસે શનિવારે ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈ ગેંગના ચાર સભ્યોની ધરપકડ કરી છે, જેઓ પનવેલમાં સલમાન ખાનની કાર પર હુમલાની ફિરાકમાં હતા. આરોપીઓએ સલમાનના ઘર અને ફાર્મહાઉસની ઘણી વાર રેકી કરી હતી. સલમાન પર હુમલા માટે આરોપીઓએ પાકિસ્તાનથી શસ્ત્રો મંગાવવાની યોજના કરી હતી. ધરપકડ કરાયેલા આરોપીઓમાં ધનંજય ઉર્ફે અજય કશ્યપ, ગૌરવ ભાટિયા ઉર્ફે નહવી, વાપસી ખાન ઉર્ફ વસીમ ચિકના અને રિઝવાન ખાન ઉર્ફે જાવેદ ખાનનો સમાવેશ થાય છે. પોલીસે લોરેન્સ બિશ્નોઈ, અનમોલ બિશ્નોઈ, સંપત નેહરા, ગોલ્ડી બરાર સહિત 17 લોકો સામે FIR દાખલ કરી છે. અજય કશ્યપે વીડિયો કોલ મારફત પાકિસ્તાનમાં ડોગર નામના શખસનો સંપર્ક કરીને સલમાનની હત્યા માટે પાક.થી એકે-47 જેવા શસ્ત્રોનો ઓર્ડર આપ્યો હતો.
પોલીસને જાણવા મળ્યા પ્રમાણે, બિશ્નોઈ અને સંપત નેહરા ગેંગના 60-70 સભ્યો મુંબઇ, રાયગઢ, નવી મુંબઇ, થાણે, પૂણે અને ગુજરાતથી આવ્યા છે અને તેઓ સલમાન પર નજર રાખી રહ્યા છે. લોરેન્સ ગેંગે સલમાન પર હુમલો કરવા માટે સગીરોનો ઉપયોગ કરવા યોજના ઘડી હતી અને હુમલા બાદ તેઓ કન્યાકુમારીથી હોડી મારફત શ્રીલંકા ભાગી જવાની ફિરાકમાં હતા.