સલમાન-સંગીતાના લગ્ન મારા કારણે અટક્યા હતાઃ સોમી અલી

Tuesday 19th September 2023 06:08 EDT
 
 

ભારતીય ફિલ્મ ઉદ્યોગના સૌથી વધુ ચર્ચાસ્પદ વિષયોમાં સલમાન ખાનના લગ્નનો સમાવેશ થાય છે. સલમાન ખાન પોતે પણ લગ્નના વિષયને હસવામાં ટાળી દેવા પ્રયાસ કરે છે. જોકે હવે સલમાનની પૂર્વ ગર્લફ્રેન્ડ સોમી અલીએ નવું રહસ્ય છતું કર્યું છે. સોમી અલીએ કરેલા દાવા મુજબ, એક સમયે સલમાન ખાન અને સંગીતા બિજલાણીના લગ્નની કંકોતરીઓ છપાઈ ગઈ હતી, પરંતુ કંકોતરીઓ વહેંચાય તે પહેલાં લગ્ન અટકી ગયા હતા, જેનું કારણ ખુદ સોમી અલી હતી.
સલમાનને સંખ્યાબંધ એક્ટ્રેસ સાથે અફેર હોવાનું કહેવાય છે. સલમાનના રોમેન્ટિક રિલેશન્સમાં સંગીતા બિજલાણી અંગેની ચર્ચા સૌથી વધારે હતી. સલમાન અને સંગીતાના લગ્નની તૈયારીઓ આખરી તબક્કામાં હતી, પણ છેલ્લી ઘડીએ આ લગ્ન રદ થયા હતા. આ અંગે સોમી અલીએ એક ઈન્ટરવ્યૂ દરમિયાન જણાવ્યું હતું કે, લગ્નની કંકોતરીઓ છપાઈ ગઈ હતી. કંકોતરીઓ વહેંચવાની તૈયારી ચાલતી હતી. દરમિયાન સંગીતા બિજલાણી સોમી અલીના એપાર્ટમેન્ટ પર પહોંચી હતી, જ્યાં તેણે સલમાન-સોમીને રંગેહાથ પકડ્યા હતા. સલમાને સંગીતા સાથે જે કર્યું, તે મારી સાથે પણ થયું હતું. આને કર્મનું ફળ કહે છે. હું થોડી સમજણી થઈ ત્યારે મને આ બાબત સમજાઈ હતી.
સોમીએ ભારત આવવાના ઈરાદા અંગે વાત કરતાં કહ્યું હતું કે, તેને સલમાન ખૂબ પસંદ હતો અને સલમાન સાથે લગ્ન કરવાના ઈરાદે જ તે ભારત આવી હતી. પોતાનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવાના બહાને સલમાન હિંસક અને અત્યાચારી થઈ જતો હતો. બાદમાં પસ્તાવાની લાગણી થતી હતી. સોમીએ સલમાનની ખાસિયત અંગે વાત કરતાં બાળકો પ્રત્યેના તેના પ્રેમના વખાણ કર્યા હતા. પોતે સલમાનના ઘરે બે વર્ષ રહી હોવાનું સોમીએ કહ્યું હતું. સોમી અલી હાલ યુનાઈટેડ સ્ટેટ્સમાં રહે છે અને મહિલાઓ પર અત્યાચાર રોકવા સ્વૈચ્છિક સંસ્થા ચલાવે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter