બોલિવૂડના દબંગ એક્ટર સલમાન ખાને તાજેતરમાં તેની આગામી ફિલ્મ ‘સુલતાન’ના પ્રમોશન દરમિયાન એવું નિવેદન આપ્યું હતું કે, આ ફિલ્મનું શૂટિંગ અત્યંત થકવનારું રહેતું હતું અને શૂટિંગ પૂરું થયા પછી રેપ્ડ વુમન જેવી લાગણી થતી હતી. આ નિવેદનના કારણે વિવાદ ઊભો થયા પછી સલમાનના પિતા લેખક સલીમ ખાને સલમાન વતી માફી માગી હતી. જોકે સલમાને માફી માગવી જોઈએ એ બાબતે વધુ ને વધુ વિવાદ થતો
ગયો હતો.
રાષ્ટ્રીય મહિલા પંચનું તેડું
સલમાનના નિવેદન અંગે ક્રોધે ભરાયેલા ભારતીય મહિલા પંચ (એનસીડબલ્યુ)એ અભિનેતાને વિવાદિત રેપ ટિપ્પણી સંબંધે પંચ સમક્ષ ૮મી જુલાઈએ હાજર થવા સમન્સ પાઠવ્યું છે. પંચે સલમાનને ચેતવણી પણ આપી છે કે જો તે પંચ સમક્ષ હાજર થવામાં ચૂક કરશે તો પંચ તેની સામે યોગ્ય લાગે તેવાં પગલાં ભરવા આગળની કાર્યવાહી કરશે. સલમાન આ અંગે પોતાનો પક્ષ મૂકવા મહારાષ્ટ્ર રાજ્યના મહિલા પંચ સમક્ષ હાજર થવામાં નિષ્ફળ જતાં તેને પંચે આગામી બેઠકમાં વ્યક્તિગત હાજરી આપવા સમન્સ પાઠવ્યું હતું.
રૂ. ૧૦ કરોડનો દાવો
હિસારની એક રેપ પીડિતાએ સલમાનના નિવેદનથી પોતાની લાગણીઓને ઠેસ પહોંચી હોવાનો દાવો કરતાં સલમાન સામે રૂ. દસ કરોડની માગ કરી છે. આ ઉપરાંત તેણે કરેલી ટિપ્પણી બદલ જાહેરમાં માફી માગવા માટે પણ કહ્યું છે. યુવતીએ આ નોટિસ સલમાનના મુંબઈના બાંદ્રા ખાતેના ઘરે મોકલી છે. હિસારની યુવતી પર ચાર વર્ષ પહેલાં ૧૦ ગુંડાઓએ સામૂહિક બળાત્કાર કર્યો હતો. દીકરી પર થયેલા બળાત્કારથી આઘાત પામેલા પિતાએ આત્મહત્યા કરી લીધી હતી. દસમાંથી ચારને પંજાબ-હરિયાણા હાઈ કોર્ટે આજીવન કેદની સજા ફટકારી હતી.
‘બળજબરી માફી ન મંગાવાય’
સલમાનના નિવેદન બાદ બીજા જ દિવસે તેના પિતા સલીમ ખાને માફી માગ્યા બાદ પણ વિવાદે અટકવાનું નામ ન લીધું તેથી મીડિયાથી નારાજ સલીમ ખાને રવિવારે ટ્વિટ કરી હતી કે, ‘કોઇ વ્યક્તિની ચપ્પુની અણીએ માફી મંગાવવાનો શું મતલબ છે? કોણ જાણે છે કે સાચું શું અને ખોટું શું છે? સલમાને કોઇ ગુનો કર્યો નથી.’