સલમાન ખાનની મુશ્કેલીઓ વધી રહી છે. મુંબઇમાં હીટ એન્ડ રન કેસમાં કાનૂની કાર્યવાહીનો સામનો કરી રહેલા સલમાન સામે હવે અન્ય એક કેસ નોંધાશે. તેણે વિમાનમાં એક વ્યક્તિ સાથે ગાળાગાળી કરી હોવાની ફરિયાદ નોંધાશે. ગત વર્ષે મુંબઈ-દિલ્હી ફ્લાઈટના આ કેસમાં હવે મુંબઈની મેટ્રોપોલિટન કોર્ટે સલમાન સામે ફરિયાદ નોંધવાનો આદેશ આપ્યો છે. સલમાનની સાથે-સાથે તેના બોડીગાર્ડ પર પણ એફઆઈઆર કરવાનો આદેશ આપ્યો છે.
કોર્ટે ઓર્ડરમાં એરપોર્ટ પોલીસને જણાવ્યું છે કે તે સલમાન ખાન વિરુદ્ધ મારપીટ કરવા અને ધમકી આપવાનો કેસ નોંધે. ફરિયાદ કરનાર રવિન્દ્ર દ્વિવેદીના જણાવ્યા મુજબ સલમાન ખાન અને તેના બોડીગાર્ડે ગત વર્ષે ૪ નવેમ્બરે મુંબઈ એરપોર્ટ પર તેમને ધમકાવ્યા હતા. ત્રણે લોકો જેટ એરવેઝની ફ્લાઈટથી મુંબઈથી દિલ્હી જઈ રહ્યા હતા. જો કે એ સ્પષ્ટ નથી થઈ શક્યું કે ઝઘડાનું સાચું કારણ શું હતું.