મુંબઈ: સલમાન પોતાની આરફા એટલે કે અનુષ્કા શર્માથી હમણા નારાજ થઈ ગયો છે. અહેવાલ મુજબ સલમાનની નારાજગી ત્યારથી છે જ્યારથી અનુષ્કાએ એક ઈન્ટરવ્યુમાં એમ કહ્યું કે, તે સલમાનને સારી રીતે નથી જાણતી. વાસ્તવમાં આ ઈન્ટરવ્યુ દરમિયાન અનુષ્કાને પુછાયું હતું કે, તેને નથી લાગતું કે સલમાને પોતાના રેપ્ડ વુમનવાળા નિવેદન માટે માફી માગવી જોઈએ? ત્યારે અનુષ્કાએ વાત ગોળ ગોળ ફેરવીને જવાબ આપ્યો હતો કે, હું સલમાનને કંઈ કહી ન શકું હું તેને સારી રીતે નથી જાણતી. ફિલ્મ વિશ્લેષક અનુપમા ચોપરાના ઈન્ટરવ્યુમાં અનુષ્કાએ સલમાનના રેપ્ડ વુમનવાળા નિવેદનને અસંવેદનશીલ ગણાવ્યું હતું. તેણે કહ્યું હતું કે જ્યારે મેં આ નિવેદન વિશે સાંભળ્યું ત્યારે મને વિશ્વાસ થયો નહોતો કે સલમાન આવું કંઈ કહે. મેં જાણવાની કોશિશ કરી હતી કે શું સલમાને ખરેખર આવું કહ્યું છે? જોકે, આ બાબતે ઘણું કહેવાઈ ચૂક્યું છે, છતાં હું કહીશ કે સલમાને જે કંઈ કહ્યું તે અસંવેદનશીલ હતું. હું તો એ વાતથી આઘાતમાં છું કે સલમાને આવું કહ્યું કેવી રીતે? એક વાત સ્પષ્ટ છે કે આપણે જે કંઈપણ કહીએ તેની જવાબદારી હાવી જોઈએ. પછી તે સેલિબ્રિટી હોય કે કોઈ બીજી વ્યક્તિ. ખાસ કરી સ્ટાર્સે તો કંઈ પણ કહેતા વધુ સજાગ રહેવાની જરૂર હોય છે.
અનુષ્કાને જ્યારે પુછાયું કે શું તેને નથી લાગતું કે સલમાને પોતાના નિવેદન માટે માફી માગવાની જરૂર છે? ત્યારે તેણે કહ્યું કે, હું સલમાનને એટલી સારી રીતે નથી જાણતી. તેની સાથે ફક્ત વ્યવસાયિક સંબંધ છે. સલમાનને પોતે ખબર છે કે તેણે શું કરવું જોઈએ અને શું નહીં?