સલમાનખાન હવે અભિનયની સાથે ફિલ્મ નિર્માણ અને તેની સાથે સંકળાયેલા અન્ય ક્ષેત્રમાં પદાર્પણ કરી રહ્યો છે. તેણે સલમાનખાન ફિલ્મ્સના બેનર હેઠળ ‘બજરંગી ભાઈજાન’નું નિર્માણ કર્યું છે. નિર્માતા તરીકે તેની આ પ્રથમ ફિલ્મ છે. બિઝનેસમાં એક ડગલું ભર્યા પછી હવે તે તે સસ્તી ટિકિટદર વાળા મલ્ટીપ્લેક્સ શરૂ કરશે. સલમાનખાન વેન્ચર્સ હેઠળ તે ‘જનતા મલ્ટીપ્લેક્સ ચેનલ’ પ્રોજેક્ટનું આયોજન કરી રહ્યો છે. ફોર્બ્સના ધનવાનોની ૨૦૧૫ની યાદીમાં ૭૧મા સ્થાને પહોંચેલો સલમાન છેલ્લા ઘણા સમયથી તે પોતાની ટીમ સાથે દક્ષિણ ભારતની સિનેમા સંસ્કૃતિનો અભ્યાસ કરી રહ્યો છે. આ માહિતી મેળવ્યા પછી જ તેણે જનતા મલ્ટિપ્લેક્સ અંગેનો નિર્ણય લીધો હતો. દક્ષિણ ભારતમાં ટિકિટ દર મોટાભાગે સામાન્ય રહે છે. એટલું નહીં ત્યાં ૩૦થી ૩૫ હજારની ઓછી વસ્તીવાળા શહેરો અને નગરોમાં પણ સિનેમાઘર છે. ઉત્તર ભારતમાં એક લાખની વસ્તી ધરાવતા ઘણા શહેરોમાં સિનેમાઘર નથી. સમગ્ર દેશમાં અંદાજે ૧૨ હજાર સિંગલ સ્ક્રીન અને મલ્ટીપ્લેક્સ છે. તામિલનાડુ, આંધ્રપ્રદેશ, તેલંગણ, કેરળમાં ૪૦ ટકા એટલે કે પાંચ હજાર સિનેમાઘર છે. જ્યારે દેશના બાકીના ભાગોમાં બાકીના સાત હજાર સિનેમાઘર છે.
દેશમાં મોંઘી ટિકિટ માત્ર ૧૦ ટકા લોકો જ ખરીદી શકે છે. મોટી ફિલ્મો જેવી કે ધૂમ 3, પીકે કે ચેન્નઈ એક્સપ્રેસની ટિકિટના દર શનિ-રવિવાર પછી સોમવારે પણ ઘટ્યા નહતા. સલમાને ‘જય હો’ ફિલ્મની રિલીઝ બાદ સોમવારથી ટિકિટના દર ઘટાડ્યા હતા. આમ સમગ્ર ફિલ્મ બજારને ઊંડાણપૂર્વક સમજ્યા બાદ સલમાને જનતા મલ્ટીપ્લેક્સ બનાવવાનો નિર્ણય લીધો છે.