સલમાનના ઘરને બૂલેટપ્રૂફ ગ્લાસ અને ઇલેક્ટ્રિક ફેન્સિંગનું કવચ

Thursday 23rd January 2025 03:43 EST
 
 

ફિલ્મોમાં ‘દબંગ’ અને ‘ટાઈગર’ જેવા રોલ કરનારા સલમાન ખાનને હવે ખુદની સલામતીની ચિંતા સતાવે છે. કાળિયારના શિકાર મામલે બિશ્નોઈ ગેંગ તરફથી સતત મળતી ધમકીના પગલે મુંબઈમાં જૂહુ સ્થિત સલમાનના નિવાસસ્થાન ગેલેક્સી એપાર્ટમેન્ટ્સને બ્લૂ કલરના બૂલેટપ્રૂફ ગ્લાસ અને ઈલેક્ટ્રિક ફેન્સિંગથી સજ્જ કરાયું છે. સલમાનના ઘરની સલામતી વધાર્યા પછીના ફોટોગ્રાફ્સ સોશિયલ મીડિયા પર વાઈરલ થયા છે. મહારાષ્ટ્રના પૂર્વ મંત્રી બાબા સિદ્દિકીની મુંબઈમાં હત્યા બાદ 59 વર્ષીય સલમાનની સુરક્ષામાં વધારો કરાયો છે. સલમાનને વાય-પ્લસ સિક્યુરિટી સાથે તેની કારને પોલીસ એસ્કોર્ટ અપાયું છે. સલમાનની સુરક્ષામાં તૈનાત કોન્સ્ટેબલ તમામ હથિયારો ચલાવવામાં પાવરધો છે. સલમાનના પનવેલ ખાતેના ફાર્મ હાઉસમાં પણ સિક્યુરિટી વધારી દેવાઈ છે. સલમાન અને તેની નિકટના લોકોને લોરેન્સ બિશ્નોઈ ગેંગ તરફથી સતત ધમકી મળી રહી છે. 1998માં કાળિયારનો શિકાર કરવાના મામલે સલમાન પર કેસ થયો હતો, જેમાં તે પુરાવાના અભાવે કોર્ટમાંથી નિર્દોષ છૂટ્યો હતો. જોકે કાળિયારને પવિત્ર માનતો બિશ્નોઈ સમુદાય સલમાનને માફ કરવાના મૂડમાં નથી અને બદલો લેવાના હેતુથી બિશ્નોઈ તરફથી ધમકી અપાય છે. એપ્રિલ 2024માં સલમાનના ઘર પર ફાયરિંગ થયું હતું. આ ઘટનામાં કોઈને ઈજા પહોંચી ન હતી, પરંતુ સલમાનની સલામતી બાબતે ચિંતા વધી હતી. સલમાન હાલમાં ચુસ્ત સલામતી બંદોબસ્ત સાથે રિયાલિટી શો બિગ બોસ અને આગામી ફિલ્મ ‘સિકંદર’નું શૂટિંગ કરી રહ્યો છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter