મુંબઈ: બોલિવૂડ સુપરસ્ટાર આમિર ખાને ચોથી જુલાઈએ જાહેરમાં સલમાન ખાનના રેપ્ડ વુમનવાળા નિવેદનને દુર્ભાગ્યપૂર્ણ અને અસંવેદનશીલ ગણાવ્યું હતું. આમિરે કહ્યું હતું કે જ્યારે આ બન્યું ત્યારે હું ત્યાં હાજર હતો નહીં. હું મીડિયાના અહેવાલ જોઈ રહ્યો છું. જેમાં સલમાને પોતાની તુલના બળાત્કાર પીડિત મહિલા સાથે કરી હોવાની વાતો કહેવામાં આવી રહી છે. મને લાગે છે કે સલમાને જે કંઈ પણ કહ્યું તે ખૂબ જ અસંવેદનશીલ હતું. પોતાની ફિલ્મ ‘દંગલ’ના પોસ્ટર લોન્ચ દરમિયાન આમિરે આ નિવેદન આપ્યું હતું. આમિરે કહ્યું હતું કે તેની આ વિશે સલમાન સાથે હજી કોઈ વાત થઈ નથી. આમિરને પૂછવામાં આવ્યું કે તે સલમાનને કોઈ સલાહ આપવા માગે છે ત્યારે આમિરે જણાવ્યું કે, હું તેને સલાહ આપનાર કોણ?
શાહરુખ અને સલમાન સ્ટાર છે હું વેઈટરઃ આમિર
‘દંગલ’ના પોસ્ટર લોન્ચ દરમિયાન આમિરે મુંબઈમાં કહ્યું હતું કે, જ્યારે સલમાન કે શાહરુખ કોઈ જગ્યાએ પ્રવેશ કરે છે તો લોકોને લાગે છે કે કોઈ સ્ટારે પ્રવેશ કર્યો છે, પણ મારામાં આ ગુણવત્તા નથી. તેઓ મારા કરતાં મોટા સ્ટાર છે. જ્યારે હું ક્યાંક જાઉં છું તો લોકોને લાગે છે વેઈટર આવ્યો છે. જોકે, આમિરને પોતાની ભૂલનો ખ્યાલ આવતાં તેણે તરત બાજી સાચવતાં તાત્કાલિક માફી માગી હોય તેમ કહ્યું હતું કે, વેઈટર્સ આર ગ્રેટ પીપલ. આ કોઈ પ્રથમવાર નથી કે જ્યારે આમિરે જાહેર મંચ પર ભૂલ કરી હોય.