જોધપુરઃ બિશ્નોઈ સમાજ પશ્ચિમી થાર રેગિસ્તાન સાથે સંબંધ ધરાવે છે. બિશ્નોઈ સમાજમાં જાનવરોને ભગવાન સમાન માનવામાં આવે છે અને તે લોકો પશુઓ માટે પોતાનો જીવ પણ આપી દેવા તૈયાર રહે છે. એટલું જ નહીં, બિશ્નોઈ સમાજ પ્રકૃતિ માટે પોતાનો જીવ આપી દેનારને શહીદનો દરજ્જો પણ આપે છે. સમાજના કેટલાય લોકોએ જાનવરો માટે પોતાના જીવ ગુમાવ્યા હોવાનું ઇતિહાસમાં નોંધાયેલું છે.
બિશ્નોઈ શબ્દ વીસ (૨૦) અને નવ (૯) મળીને બન્યો છે. આ સમાજ ૨૯ નિયમોનું પાલન કરે છે.
બિશ્નોઈ સમાજના કેટલાક નિયમ
• રોજ પ્રાતઃકાળ સ્નાન કરવું • ૩૦ દિવસ જન્મ-સૂતક રાખવું • પાંચ દિવસ રજસ્વલા સ્ત્રીને ગૃહકાર્યોથી મુક્ત રાખવી • શીલનું પાલન કરવું • સંતોષ રાખવો • આંતરિક અને બાહ્ય શુદ્ધતા સાથે પવિત્રતા જાળવી રાખવી • ત્રિકાળ સંધ્યા ઉપાસના કરવી • સાંજના સમયે આરતી કરવી • ઈશ્વરનું ચિંતન કરવું • નિષ્ઠા અને શ્રદ્ધાપૂર્વક હવન કરવો • પાણી અને દૂધ ગાળીને ઉપયોગમાં લેવાં • ઇંધણ માટે લીલા વૃક્ષનાં લાકડાં ન વાપરવાં • વાણી પર સંયમ રાખવો • જીવમાત્ર પ્રત્યે દયા અને ક્ષમા રાખવા • ચોરી, નિંદા, જૂઠું તથા વાદવિવાદનો ત્યાગ કરવો • અમાસના દિવસે વ્રત રાખવું • વિષ્ણુ ભગવાનનું ભજન કરવું • જીવો પ્રતિ દયાભાવ રાખવો • લીલું વૃક્ષ કાપવું નહીં • કામ, ક્રોધ, મોહ અને લોભનો નાશ કરવો • રસોઈ પોતાના હાથે કરવી. પરોપકારી પશુઓની રક્ષા કરવી • અફીણનું સેવન કરવું નહીં • તમાકુ ખાવી નહીં • ભાંગ કદી ન પીવી • દારૂ-માંસનો ત્યાગ • આખલાની ખસી ન કરવી
બિશ્નોઈ સમાજ હરણને ભગવાનની જેમ માને છે અને જીવના જોખમે પણ તેનું રક્ષણ કરે છે. રાજસ્થાનનાં કેટલાંક ગામોમાં આજે પણ કેટલીક મહિલાઓ હરણના બચ્ચાને સ્તનપાન કરાવે છે. પ્રસિદ્ધ ચિપકો આંદોલનમાં પણ બિશ્નોઈ સમાજનું ખાસ યોગદાન રહ્યું છે. દસકાઓ પૂર્વે વૃક્ષોને બચાવવા માટે ૩૫૦થી વધારે મહિલાઓએ પોતાનો જીવ આપી દીધો હોવાની વાત ઇતિહાસમાં પણ નોંધાયેલી છે.