સલમાન ખાને તાજેતરમાં મુંબઈમાં એક ઇવેન્ટમાં હાજરી આપી હતી. આ ઇવેન્ટના ઘણા વીડિયો વાઇરલ થયાં છે. જેમાંથી એક વીડિયોમાં સલમાને ગણેશોત્સવને લઈને ઘણી સારી વાત કરી હતી. તેની આ વાત પર લોકો જાતજાતના રિએક્શન આપી રહ્યા છે. સલમાને આ ઇવેન્ટમાં જણાવ્યું હતું કે પોતાના ઘરે કે અન્યત્ર ગણેશજીની સ્થાપના બાદ લોકો જે પ્રકારે તેમની પ્રતિમાનું વિસર્જન કરે છે તે સારું નથી લાગતું. તેમણે લોકોને વિનંતી કરી હતી કે ઈકો ફ્રેન્ડલી ગણેશજીની સ્થાપના કરે. આ વીડિયો ક્લિપમાં સલમાન બોલતો દેખાય છે કે કેટલું ખરાબ લાગે છે કે પીઓપી કે તેના જેવા મટિરિયલમાંથી બનેલા ગણપતિજીના વિસર્જન બાદ તમે સમુદ્રકિનારે જાઓ તો ત્યાં અડધા ગણેશજી અહીં પડ્યા હોય છે અને અડધા અન્યત્ર. ગણેશજીની સૂંઢ અહીં પડી હોય, તો માથું બીજે અને પેટ અલગ હોય. તમે ત્યાં જતાં હોવ તો તમારો પગ પણ તેને અડકતો હોય... આથી સૌથી સારી બાબત છે કે આપણે બધા લોકો ઇકો ફ્રેન્ડલી ગણેશજીની મૂર્તિનું જ સ્થાપન કરીએ.
સલમાનની આ ક્લિપ પર ઘણી કોમેન્ટ થઇ રહી છે. જેમાં એક યૂઝરે લખ્યું છે કે ભાઈને બોલા હે તો કરને કા... અન્ય એક ફેને લખ્યું છે કે આજે તમે મારા દિલની વાત કહી દીધી છે, થેન્કયુ. એક યૂઝરે લખ્યું છે કે આ વ્યક્તિ મુસ્લિમ હોવા છતાં પણ દર વર્ષે પોતાના ઘરે ધામધૂમથી ગણપતિ સ્થાપના અને ઉજવણી કરે છે. તે જે મેસેજ આપી રહ્યો છે તે સાચું કહી રહ્યો છે. આસ્થાનો મતલબ એ નથી કે આપણે નદી-સમુદ્ર કે જળસ્ત્રોતને પ્રદૂષિત કરીએ.