બોલિવૂડના સૌથી પ્રખ્યાત સ્ક્રિપ્ટ રાઈટર જોડી સલીમ ખાન અને જાવેદ અખ્તર પર આધારિત ડોક્યુમેન્ટરી સિરીઝ ‘એંગ્રી યંગ મેન’નું ટ્રેલર રિલીઝ થયું છે. આ પ્રસંગે સલીમ-જાવેદ ઉપરાંત તેમનાં સંતાનો સલમાન ખાન, ફરહાન અખ્તર અને ઝોયા અખ્તર સહિત આખો પરિવાર હાજર હતો. ઈવેન્ટમાં સલમાને કહ્યું, ‘જ્યારથી હું હોશમાં આવ્યો છું ત્યારથી હું માત્ર સલીમ-જાવેદને જ ઓળખું છું. આ બંને આજ સુધીના સૌથી મોંઘા લેખકો છે અને હજુ પણ છે. સારું થયું કે બંનેએ અભિનય ન કર્યો, નહીં તો કલ્પના કરો કે પોતાના માટે તેઓ લખતા હોત તો શું થાત.’ ઈવેન્ટમાં સલમાને એ પણ ખુલાસો કર્યો હતો કે અભિનેતા મનોજ કુમારે ફિલ્મ ‘ક્રાંતિ’ માટે સલીમ-જાવેદને ક્રેડિટ નથી આપી. જાવેદ અખ્તરે ખુલાસો કર્યો કે તેણે સલીમ ખાનને વિનંતી કરી હતી અને હવે તેઓ ફરી એક વાર ફિલ્મ લખવાના છે. તે સમયે પણ તેઓ સૌથી મોંઘા હતા અને હવે તો કહેવું જ શું? ઈવેન્ટમાં હાજર દરેક સલીમ-જાવેદે લખેલા પોતપોતાના મનપસંદ ડાયલોગ્સ બોલ્યા હતા. આ અવસરે સલમાને જણાવ્યું કે તેનો ફેવરિટ ડાયલોગ છે ‘મેરે પાસ મા હૈ, વો ભી દો...’ ઈવેન્ટમાં જાવેદ અખ્તરે સલમાન અને અરબાઝના બાળપણ વિશે ઘણા રસપ્રદ ખુલાસા પણ કર્યા હતા. સિરીઝના ટ્રેલરમાં સલીમ-જાવેદની હૃદયસ્પર્શી અને પ્રેરણાદાયી વાર્તા બતાવાઇ છે. 2 મિનિટ 40 સેકન્ડના આ ટ્રેલરની શરૂઆત સલમાન ખાનના ડાયલોગથી થાય છે જેમાં તે કહે છે કે મેં આજ સુધી ઈન્ટરવ્યૂ આપ્યા છે પરંતુ હું પહેલીવાર નર્વસ છું. ટ્રેલરમાં સલીમ-જાવેદ પણ પોતાની સાથે જોડાયેલી ઘણી વાતો શેર કરતા જોવા મળી રહ્યા છે.