સલીમ-જાવેદ શબ્દ નામ પડે એટલે આંખ સામે આંખમાંથી ગુસ્સો વરસાવતો, ગુંડાઓની ટોળી પર ઝનૂનભેર તૂટી પડતો અને યાદગાર સંવાદોથી છવાઈ જતો એંગ્રી યંગ મેન એટલે કે અમિતાભ બચ્ચન નજર સામે દેખાય. સીત્તેરના દાયકામાં સલીમ-જાવેદની જોડીએ હિંદી સિનેમાનો પ્રવાહ બદલી નાખ્યો હતો. જોકે, તેમની પોતાની દોસ્તીને કોઈની નજર લાગી ગઈ અને 12 વર્ષ પછી આ જોડી છૂટી પડી ગઈ. વર્ષોના વર્ષો વીતી ગયા પણ આ બે ધુરંધર લેખકો વચ્ચે કોઈ મિલન મુલાકાત થયાં જ ન હતાં. જોકે, થોડા મહિનાઓ પહેલાં જ સમાચાર આવ્યા હતા કે બંને વચ્ચે દોસ્તીની વસંત ફરી ખીલી છે અને ક્યારેક ક્યારેક બંને એકબીજાને ફોન કરી તબિયતના સમાચાર પૂછી લે છે. ગયા ગુરુવારે રાતે મહારાષ્ટ્રીયના નેતા રાજ ઠાકરેએ દાદરના શિવાજી પાર્કમાં યોજેલી દિવાળીની ઉજવણી યોજી હતી, જેમાં વર્ષો પછી આ બંને લેખકો એક મંચ પર સાથે આવ્યા હતા.