લોકસભા ચૂંટણીમાં પ્રથમ વખત ઝંપલાવનાર કંગના રણૌતને મતદારોને સંસદસભ્ય બનાવી દીધી છે. સાંસદ બન્યા પછી કંગનાએ કોઈમ્બતુર ખાતે આવેલા ઈશા ફાઉન્ડેશનની મુલાકાત લીધી હતી અને આધ્યાત્મિક માર્ગદર્શક સદગુરુના આશીર્વાદ મેળવ્યા હતા. હિમાચલ પ્રદેશના મંડી ખાતેથી સાંસદ બન્યાં પછી કંગનાએ કોઈમ્બતુર આશ્રમની મુલાકાતના ફોટોગ્રાફ્સ સોશિયલ મીડિયા પર શેર કર્યા હતા. કંગના રણૌતને મંડી લોકસભા બેઠક પર જંગી બહુમતીથી વિજય મળ્યો હતો. કોંગ્રેસના ઉમેદવાર અને દિગ્ગજ નેતા વિક્રમાદિત્યસિંહને કંગનાએ 74,755 મતે પરાજય આપ્યો હતો. પોતાના વિજય સંદર્ભે કંગનાએ જણાવ્યું હતું કે, માતૃભૂમિએ તેને પરત બોલાવી છે. ચૂંટણીના પ્રચારમાં પૂરતો સમય આપી શકાય તે માટે કંગનાએ આગામી ફિલ્મ ઈમરજન્સીની રિલીઝ પોસ્ટપોન કરી હતી. પૂર્વ વડાંપ્રધાન ઈન્દિરા ગાંધીના જીવન આધારિત આ ફિલ્મમાં કંગનાએ લીડ રોલ ઉપરાંત ડાયરેક્ટર અને પ્રોડ્યુસર તરીકે પણ જવાબદારી નિભાવી છે. ચૂંટણીમાં વિજય મળે તો કંગનાએ એક્ટિંગમાંથી નિવૃત્તિ લેવાનું એલાન અગાઉ કર્યું હતું. હાથ પરના પ્રોજેક્ટ પૂરા કર્યા પછી કંગના સમગ્ર ફોક્સ પોલિટિકલ કરિયર પર કરશે.