સારા અલી બિઝનેસમેન સાથે લગ્નની તૈયારીમાં?

Saturday 25th May 2024 08:43 EDT
 
 

નવી પેઢીની અભિનેત્રીઓમાં હાલ ટોચના સ્થાને બિરાજતી સારાએ અચાનક જ લગ્ન કરવાનો નિર્ણય લીધો હોવાની અટકળો છે. સોશિયલ મીડિયા પર વાઈરલ બનેલી અટકળો મુજબ, સારાએ દેશના જાણીતા બિઝનેસમેન સાથે ગુપચુપ સગાઈ કરી લીધી છે અને આ વર્ષે લગ્ન પણ કરવાની છે. લગ્નને પ્રાથમિકતા આપતાં સારાએ નવી ફિલ્મોની ઓફર સ્વીકારવાનું પણ બંધ કરી દીધું છે. સૈફ અલી ખાન અને અમૃતા સિંહની દીકરી સારા તેની ફિલ્મો કરતાં પર્સનલ લાઈફ માટે વધારે ચર્ચામાં રહે છે. સારાનું નામ અગાઉ કાર્તિક આર્યન અને ક્રિકેટર શુભમન ગિલ સાથે જોડાયેલુ હતું. સારાએ ટૂંકા સમયના ડેટિંગ દરમિયાન પોતાની પસંદગી અંગે ચકાસણી કરી લીધી હતી અને આખરે તેણે લગ્ન કરવાનો નિર્ણય લીધો છે. સોશિયલ મીડિયા પર વાઈરલ પોસ્ટમાં દાવો કરાયો છે કે, સારા અલી ખાને ધનિક બિઝનેસમેન સાથે ગુપચુપ સગાઈ કરી લીધી છે અને ટૂંક સમયમાં લગ્ન પણ કરવાની છે. સારાની આગામી ફિલ્મ ‘મેટ્રો ઈન દિનો’નું શૂટિંગ પૂરું થવાની તૈયારીમાં છે તે પછી સારાએ નવી કોઇ ફિલ્મ સાઇન કરી નથી. આ વાઈરલ પોસ્ટ અનુસાર, સારા અલી ખાન અને ઈન્ડસ્ટ્રિયાલિસ્ટ પરિવારના દીકરા વચ્ચે ખૂબ ઝડપથી પ્રેમ પાંગર્યો હતો. બંનેના પરિવારજનોએ પણ આ સંબંધને મંજૂરી આપી દીધી છે. જોકે પોસ્ટમાં સારાના કથિત જીવનસાથી અંગે કોઈ ખુલાસો થયો નથી અને તેની ઓળખ અંગે સંકેત પણ અપાયા નથી. આ મામલે સારા અલી ખાન અથવા તેના પરિવાર તરફથી કોઈ રીએક્શન આવ્યું નથી. ઉલ્લેખનીય છે કે, સારાએ 2018ના વર્ષમાં સુશાંત સિંહ સાથેની ફિલ્મ કેદારનાથથી બોલિવૂડમાં પગરણ માંડ્યા હતા. પાછલા એક વર્ષમાં ઓટીટી અને થિયેટરમાં સારાની ફિલ્મોએ ધૂમ મચાવી છે. 


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter